ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં 6 મહિનાનો વધારો
ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા માટે પાંચમી વખત મુદત વધારતી સરકાર
ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવા માટેની મુદ્દતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાની નાગરિકોની ફરિયાદ બાદ પાંચમી વખત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરી આગામી 6 મહિના સુધી નાગરિકો માટે સુગમતા કરી છે.
રાજ્યમાં ગેરકાયદેસર બંધાયેલા બાંધકામો ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જે અન્વયે અગાઉ ચાર વખત ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત વધારી આપ્યા બાદ પણ આ સ્કીમને જોઈએ તેવો પ્રતિસાદ ન મળવાની સાથે નાગરિકોની મુદત વધારો કરવાની માંગણી ધ્યાને લઇ શહેરી વિકાસ વિભાગ દ્વારા વધુ 6 મહિના સુધી મુદ્દત આપવામાં આવી છે. નોંધનીય છે કે, શહેરી વિકાસ વિભાગ દ્વારા 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ 6 મહિનાનો વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
હાલમાં રાજકોટ સહિત રાજ્યભરના મહાનગરોમાં ગેરકાયદે અને પરવાનગી વગરના બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે ગુજરાત સરકારે ઓક્ટોબર-22માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા આપવા કવાયત કરી હતી. જોકે હવે બે વર્ષ જેટલો સમય ગાળો વધારવામાં આવ્યા બાદ 17 ડિસેમ્બરથી 6 મહિનાનું એક્સ્ટેન્શન જાહેર કર્યું છે. જેને લઈ હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કત ધારકોને ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝડ કરાવવાની યોજનાનો લાભ મળી શકશે.