રાજકોટમાં ઠેકઠેકાણે લગાડેલા મોદી-રૂપાલાના હોર્ડિંગ તાત્કાલિક હટાવો
ઈલેક્ટોરલ બોન્ડના કૌભાંડ થકી મેળવેલા નાણાંનો બેફામ થઈ રહેલો ઉપયોગ: પ્રિન્ટર-પ્રકાશની ઓળખ વગર હોર્ડિંગ લગાવી દેવાયાનો કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી બાજુ શહેરમાં ઠેકઠેકાણે મોદી અને રૂપાલાની તસવીરવાળા હોર્ડિંગ બોર્ડ લગાવી દેવામાં આવ્યા હોવાથી કોંગ્રેસે તેની સામે વાંધો ઉઠાવતાં કલેક્ટરને રજૂઆત કરી આ હોર્ડિંગ તાત્કાલિક દૂર કરવા માંગ કરી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વડાપ્રધાન અને લોકસભાના ઉમેદવારને જે હોર્ડિંગ-બેનર લગાવાયા છે તે નિયમ વિરુદ્ધ છે. પ્રિન્ટર અને પ્રકાશકની ઓળખ વગરના હોર્ડિંગ મત વિસ્તારમાં અનેક સ્થળોએ લગાવેલા છે છતાં તેને દૂર કરાઈ રહ્યા નથી. આઈ-વે પ્રોજેક્ટ હેઠળ લગાવાયેલા સીસીટીવી કેમેરાના આધારે થૂકનારા અને ટ્રાફિકના નિયમ ભંગ કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી થઈ રહી છે ત્યારે આ પ્રકારે નિયમ વિરુદ્ધ જઈને લગાવી દેવાયેલા બોર્ડ-બેનર કોણે લગાવ્યા તેની તપાસ કેમ નથી થઈ રહી ? આ માટે જવાબદાર અધિકારીઓ સામે નિયમ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ.
આ પ્રકારના હોર્ડિંગ-બેનર કાલાવડ રોડ પર એલઆઈસી ઓફિસના ગેટ પાસે અને અન્ડર બ્રિજમાં રેલવેની સાઈડ પર લગાવેલા છે. આ અંગે કોલ સેન્ટરમાં અને સી-વિઝિલમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.