નિયમ પ્રમાણે આયોજન કરશો તો કોઈ પ્રકારની હેરાનગતિ નહીં થાય: પોલીસ કમિશનર
હેમુ ગઢવી હોલમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવના આયોજકો સાથે બેઠક કરતાં પોલીસ અધિકારીઓ: રાત્રે ૧૨ વાગ્યા બાદ કોઈપણ ભોગે ગરબી કે રાસોત્સવ ચાલવા નહીં દેવાય: સિંગરો ધાર્મિક ઉત્સવની મર્યાદામાં રહી ગીત ગાય તેવી અપીલ
આયોજન સ્થળ ઉપર સીપીઆર આપી શકે તેવા વ્યક્તિને હાજર રાખવા સલાહ: ગરબીના અમુક આયોજકોએ ૧૨ વાગ્યાના સમયનો વિરોધ કર્યો પરંતુ પોલીસ દ્વારા સ્પષ્ટ કહી દેવાયું, નિયમ બધા માટે સરખો જ રહેશે
રવિવારથી નવલી નવરાત્રિનું પાવન પર્વ શરૂ થઈ રહ્યું છે જેમાં ભાવિકો મા અંબાની ભક્તિમાં લીન થવા માટે તલપાપડ જોવા મળી રહ્યા છે સાથે સાથે રાસ રમવા માટે ખેલૈયાઓના પગ પણ રીતસરના થીરકી રહ્યા છે. આ વર્ષે રાજકોટમાં અંદાજે ૩૦ જેટલા સ્થળો ઉપર અર્વાચીન તેમજ ૫૫૦ જેટલી નાની-મોટી ગરબીનું આયોજન થવાનું છે ત્યારે તેમાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, આયોજકો નિયમોના દાયરામાં રહીને આયોજન કરે તેમજ ખાસ કરીને હાર્ટએટેકના વધી રહેલા કિસ્સાઓમાં કેવા પ્રકારની તકેદારી રાખવી સહિતના મુદ્દે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે આયોજકો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવાઈ હતી. આ બેઠક દરમિયાન પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટપણે કહેવાયું કે આયોજકો નિયમોના પાલન સાથે આયોજન કરશે એટલે તેમને કોઈ જ પ્રકારની હેરાનગતિ થશે નહીં.
આ બેઠકને સંબોધન કરતાં પોલીસ કમિશનરે જણાવ્યું કે ધાર્મિક ઉત્સવમાં માતાજીની આસ્થા સાથે ઉજવણી કરવી જરૂરી બની જાય છે. ખાસ કરીને નવરાત્રિમાં રાત્રે ૧૨ વાગ્યે ડી.જે. તેમજ માઈક દરેક આયોજકોએ બંધ જ કરી દેવાના રહેશે. આ પછી માઈક કે રાસોત્સવ ચાલું રાખશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અર્વાચીન રાસોત્સવના સિંગર્સ ધાર્મિક ઉત્સવની મર્યાદામાં રહીને ગીતો ગાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી. ગરબામાં કોઈ પણ મેડિકલ ઈમલજન્સી સર્જાય તો તમામ વ્યવસ્થા રાખવી જરૂરી છે જેથી કોઈનો જીવ તાત્કાલિક બચાવી શકીએ. આવી જ રીતે સીપીઆર આપી શકે તેવા લોકો આયોજનમાં હાજર રહે તે પણ મહત્ત્વનું બની રહેશે.
દરમિયાન આ બેઠકમાં પ્રાચીન ગરબીના આયોજકો દ્વારા ૧૨ વાગ્યા સુધીના સમયમાં છૂટછાટ આપવા માંગણી કરાઈ હતી પરંતુ પોલીસ દ્વારા નિયમો બધા માટે સરખા હોય તમામે તેનું પાલન કરવું જ પડશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી સજનસિંહ પરમાર, ડીસીપી સુધીરકુમાર દેસાઈ, ડીસીપી પૂજા યાદવ સહિતના અધિકારીઓ ઉપરાંત તમામ પોલીસ મથકના પીઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.