મીડિયાના કેમેરા ન હોય તો કોંગ્રેસની એક પણ ‘આઈટમ’ દેખાશે નહીં !
મહાપાલિકાના જનરલ બોર્ડમાં ફારસરૂપ શબ્દોનો છૂટથી ઉપયોગ, હિંમત છે કોઈ કશું કરી શકે ?
વશરામ સાગઠિયાએ બીપીએમસી એક્ટના નિયમોની બુક બતાવતાં જ સ્ટે.ચેરમેને કહ્યું, કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર BPMC કે GPMCનું પૂરું નામ કહી દે તો તેમને આપશું ઈનામ
૧૧:૦૦ વાગ્યે બોર્ડ શરૂ થયું, પહેલો પ્રશ્ન ચર્ચામાં આવ્યો જે ૧૨:૦૦ સુધી ચાલ્યો, કોંગ્રેસે વિરોધ કરતાં ૧૧:૪૭એ તમામને કઢાયા બહાર: ચારમાંથી એક તો ૧૧:૨૭એ જ થઈ ગયા રવાના
ફરી એ જ લાં..બા પ્રશ્નની માયાજાળમાં એક કલાકની કાર્યવાહી પૂર્ણ કરી લોબીમાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો ફાકી ચોળવા ભેગા થઈ ગયા !
વશરામ સાગઠિયાને બહાર કાઢવા માર્શલે હાથ પકડતાં જ ઉકળી ઉઠતાં કહ્યું, સાગઠિયા-ખેરની પડખે કોઈ નથી આવ્યું, માપમાં રહો, તમને બચાવવા પણ કોઈ આડું નહીં આવે !
મહાપાલિકામાં જ્યારથી ભાજપના ૬૮ કોર્પોરેટરો ચૂંટાયા છે ત્યારથી લઈ આજ સુધી કોંગ્રેસનું ફદીયું પણ આવી રહ્યું નથી. ખાસ કરીને દર બે મહિને જ્યારે જનરલ બોર્ડ મળે ત્યારે તો કોંગ્રેસની હાલત દયનીય બની જાય છે. કોંગ્રેસ દ્વારા વિરોધ તો કરાય છે પરંતુ તેનું સાંભળવા માટે કોઈ હોતું નથી પરિણામે જનરલ બોર્ડ માત્રને માત્ર
નાટક’ બનીને રહી ગયું છે. આવું જ ૨૦ સપ્ટેમ્બરે મળેલા જનરલ બોર્ડમાં બન્યું હતું જેમાં ફારસરૂપ શબ્દોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તેમની આ વાણી ઉપર કોઈ કાબૂ કરાવી શક્યું ન્હોતું. ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે ભરી સભામાં કહ્યું હતું કે જો જનરલ બોર્ડમાં મીડિયાના કેમેરા ન હોય તો કોંગ્રેસની એક પણ આઈટમ' દેખાશે નહીં ! સૌ કોઈ જાણે છે કે
આઈટમ’ શબ્દ એ આમ રોજિંદો બોલાતો શબ્દ છે પરંતુ જ્યારે તે કોઈ વ્યક્તિ માટે બોલાય ત્યારે તે વધુ પડતો થઈ જતો હોય છે.
શુક્રવારે સવારે ૧૧ વાગ્યે જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ થઈ હતી. પ્રથમ ક્રમે વોર્ડ નં.૧ના કોર્પોરેટર હિરેન ખીમાણીયાનો ત્રણ વર્ષના એક્શન પ્લાન અંગેનો પ્રશ્ન હતો. આ પ્રશ્ન ૧૧થી લઈ ૧૨ વાગ્યા સુધી ચર્ચામાં રહ્યો હતો. જો કે કોંગ્રેસે આવા બિનજરૂરી પ્રશ્ને ચર્ચા કરવા કરતા લોકોને જે સમસ્યા નડી રહી છે તેના પર અથવા તો રાજકોટમાં પડેલા ખાડા, ઢોરડબ્બામાં મૃત્યુ પામી રહેલા ઢોર મુદ્દે ચર્ચા કરવા વારંવાર ટકોર કરી હતી પરંતુ તેમનું ઉપજી રહ્યું નથી. અધ્યક્ષસ્થાને રહેલા મેયર દ્વારા માત્ર એક જ વાત કહેવામાં આવતી હતી કે પ્રથમ પ્રશ્ન પૂર્ણ થયા બાદ બાકીના પ્રશ્ન ચર્ચામાં લેવાશે.
આ પછી કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠિયા દ્વારા બીપીએમસી એક્ટની બુક બતાવવામાં આવતાં જ જયમીન ઠાકર દ્વારા જો કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર બીપીએમસી અથવા જીપીએમસી એક્ટનું પૂરું નામ બતાવી દે તો તેમને ઈનામ અપાશે તેવું કહેતાં જ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આમ છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ કર્યે જ રાખતા ૧૧:૪૭એ ત્રણ કોર્પોરેટરને બહાર કઢાયા હતા જ્યારે ભાનુબેન સોરાણી ૧૧:૨૭એ પોતાની રીતે જ રવાના થયા હતા ! કોંગ્રેસના નગરસેવકોને જ્યારે બહાર કઢાયા ત્યારે વશરામ સાગઠિયા દ્વારા માર્શલને સ્પષ્ટ સંભળાવી દેવાયું હતું કે સાગઠિયા, ખેર સહિતના અત્યારે જેલમાં છે, તેની પડખે કોઈ આવ્યું નથી એટલે તમે પણ `માપ’માં જ રહેજો અને હાથ ન અડાડતાં…!
આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપ-કોંગ્રેસ દ્વારા જનરલ બોર્ડમાં એકબીજાનો વિરોધ કરાયો પરંતુ જેવું બોર્ડ પૂરું થયું કે એ જ કોર્પોરેટરો એકઠા થઈને ફાકી ચોળતાં જોવા મળ્યા હતા.
એજન્ડામાં સામેલ તમામ દરખાસ્તો મંજૂર
જનરલ બોર્ડના એજન્ડામાં ૨૨ ઉપરાંત એક અરજન્ટ બિઝનેસ દરખાસ્ત આવી હતી જે તમામાં સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવી હતી. બોર્ડની આ કાર્યવાહીમાં ૮ કોર્પોરેટરો રજારિપોર્ટ મુકી ગેરહાજર તો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા રજા રિપોર્ટ વગર ગેરહાજર રહ્યા હતા. જ્યારે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા દેવુબેન જાદવ અને વજીબેન ગોલતર પણ રજા રિપોર્ટ સાથે ગેરહાજર રહેતા બોર્ડની કાર્યવાહીમાં ૬૦ નગરસેવકોએ ભાગ લીધો હતો.
આમાં કોંગ્રેસ ક્યાંથી ઉંચી આવે ?
કોંગ્રેસ દ્વારા જનરલ બોર્ડમાં રસ્તા પર પડેલા ખાડાના આંકડા સાથેના બેનર ફરકાવાયા હતા. જો કે તેમાં ૧૨૦૦ ખાડા પડ્યા હોવાનું લખાણ જોવા મળી રહ્યું હતું. કોંગ્રેસને એ પણ નથી ખબર કે રાજકોટમાં ૧૨૦૦ નહીં બલ્કે ૧૨,૦૦૦ ખાડા પડ્યા છે ! આટલા ખાડા પડ્યા હોવાનો એકરાર ખૂદ મ્યુનિ.કમિશનર કરી ચૂક્યા છે છતાં કોંગ્રેસના ધ્યાને તે વાત આવી નથી.