ઈવીએમ ખોટકાશે તો વિવિપેટની કાપલીની ગણતરી કરાશે
રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી માટે સ્ટાફની નિમણુંક, ગુરુવારે તાલીમ
રાજકોટ : આગામી તા.4 જૂનના રોજ યોજાનાર મતગણતરી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણીપંચની સૂચના મુજબ જો મતગણના દરમિયાન ઇવીએમમાં ખામી સર્જાઈ તો વિવિપેટની કાપલીની ગણતરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે, બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી માટે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને તમામ મતગણતરી સ્ટાફની નિમણૂકના ઓર્ડર કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં મતગણતરી માટે તમામ સ્ટાફનું નિમણૂક કરી નાખવામાં આવી છે. જેમને આગામી ગુરુવારના રોજ મહત્વની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ઇવીએમ સિલ કેમ ખોલવા, ક્લોઝ બટન કઈ રીતે દબાવવું, અંગ્રેજીનાં આંકડા કેવી રીતે લેવા, એજન્ટની શીટ કેવી રીતે લેવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં એવું થયું છે ચાલુ મતગણતરીએ ઇવીએમનું કોમ્પ્યુટર યુનિટ એટલે કે સીયુ બંધ થઈ ગયું, આવું બને ત્યારે પંચમાં માર્ગદર્શન માંગવામાં આવતું પરંતુ હવે એવો નિયમ આવ્યો છે જેમાં ઇવીએમનું કોમ્પ્યુટર યુનિટ બંધ થઈ ગયું હોય તેવા કિસ્સામાં વિવીપેટની કાપલીઓની કરી મતગણતરીની કાર્યવાહી કરવામાં આવશે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દ્વારા આપવામાં આવેલા દિશનીર્દેશ બાદ આ સુધારા અમલી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.