સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પલેક્સની દુકાન ખુલશે તો થશે પોલીસ ફરિયાદ !
હજુ સુધી સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવ્યો ન હોય છતાં દુકાન-શો રૂમ ખૂલી ગયાનું ધ્યાન પર આવતાં જ મહાપાલિકાની ટીમ દોડી ગઈ: તાકિદે રિપોર્ટ કરાવી લેવા અને તેમાં સબ સલામત' હશે તો જ કોમ્પલેક્સ ખુલવા દેવાશે-મ્યુ.કમિશનર
ગણેશોત્સવ દરમિયાન લોકોની અવર-જવર સૌથી વધુ રહે છે તે સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પલેક્સનો વોંકળા પરનો સ્લેબ તૂટી પડતાં એક વૃદ્ધા મોતને ભેટ્યા હતા તો ૩૦ લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.
આ દૂર્ઘટના બન્યા બાદ શિવમ કોમ્પલેક્સને વપરાશ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય અંદાજે બે મહિનાથી કોમ્પલેક્સની ૯૦ જેટલી દુકાન-શો રૂમ બંધ હાલતમાં પડેલા છે.
દરમિયાન અમુક વેપારીઓ દ્વારા દુકાન, શો-રૂમ ખોલ્યા હોવાનું ધ્યાન પર આવતાં જ મહાપાલિકાની ટીમે દોડી જઈને તેને બંધ કરાવ્યા હતા સાથે સાથે એવી કડક ચેતવણી પણ આપી હતી કે જો હવે તેઓ દુકાન કે શો-રૂમ ખોલશે તો તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે
વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે દૂર્ઘટના બન્યા બાદ શિવમ કોમ્પલેક્સનો સ્ટ્રક્ચરલ એન્જિનિયર મારફતે ફિઝિબિલિટી રિપોર્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોમ્પલેક્સનો વપરાશ ન કરવા સુચના આપી હોવા છતાં અમુક વેપારીઓ દ્વારા દુકાન અથવા શો-રૂમ ખોલવામાં આવતા હોવાથી તેને ખતરારૂપ ગણી શકાય તેવું છે એટલા માટે જ મહાપાલિકા દ્વારા જે વેપારીઓએ દુકાન કે શો-રૂમ ખોલ્યા હતા તે બંધ કરાવાયા છે અને હવે જો આ લોકો ફરીથી પોતાનો વેપાર શરૂ કરશે તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે કેમ કે આ મુદ્દો ઘણો જ ગંભીર છે.
કમિશનરે જણાવ્યું કે ફિઝિબિલિટી રિપોર્ટ માટે કોમ્પલેક્સના એસોસિએશનને મહાપાલિકાની જરૂર હોય તો તેની પૂરેપૂરી તૈયારી છે પરંતુ હજુ સુધી રિપોર્ટ રજૂ કરાયો ન હોવાથી કોમ્પલેક્સનો ઉપયોગ કરવા દેવાશે નહીં.