રાજકોટમાં અહંકારી માછલીની આંખ વીંધીને જ ઝંપીશ: પરેશ ધાનાણી
અહીં ચૂંટણી લડવાનો મારો કોઈ વિચાર ન્હોતો પણ દીકરીના દામનને ડાઘ લાગ્યો એટલે આવ્યો છું
રૂપાલાએ ભાજપના નેતાને ત્યાં જઈને નહીં સમાજની વચ્ચે ઉભા રહીને માફી માંગવી જોઈતી હતી-શક્તિસિંહ
રૂપાલાએ જાણીજોઈને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, જેનો જવાબ આપજો-જગદીશ ઠાકોર
ઘમંડમાં હોવાને કારણે જ રૂપાલા ભાન ભૂલ્યા છે-જિજ્ઞેશ મેવાણી
ધાનાણી જીતશે એટલે પોલીસ, મનપા, કલેક્ટર કચેરીના અધિકારીઓ વ્યવસ્થિત જવાબ આપશે તેની ગેરંટી-ઈન્દ્રનીલ
રાજકોટ બેઠક પર ઉમેદવારી નોંધાવતાં પહેલાં કોંગ્રેસ નેતાઓની બહુમાળી ચોકમાં સટાસટી
રાજકોટ લોક્સભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતાં પહેલાં બહુમાળી ચોકમાં જન સ્વાભિમાન સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તમામ નેતાઓએ ભાષણ કરીને ભાજપ ઉપર આકરાં પ્રહારો કર્યા હતા. ફોર્મ ભર્યા બાદ પરેશ ધાનાણીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનો અહંકાર સાતમા આસમાને છે એટલા માટે જ હું આ અહંકારી માછલીની આંખ વીંધીને જ ઝંપીશ. અહીંથી ચૂંટણી લડવાનો મારો કોઈ વિચાર જ ન્હોતો પરંતુ દીકરીના દામનને ડાઘ લાગ્યો એટલે હું રાજકોટથી ચૂંટણી લડવા આવ્યો છું. મને વિશ્વાસ છે કે રાજકોટના લોકો મને દિલ્હીમાં રાજકોટનો અવાજ બનવા માટે મોકલશે.
આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંબોધન કરીને કહ્યું કે રૂપાલાની ટિકિટ ભાજપે કાપવી જોઈતી હતી પરંતુ તેને એવું સૂઝ્યું નથી. અધૂરામાં પૂરું રૂપાલાએ ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને દિલથી માફી માંગવાની જગ્યાએ તેઓ ભાજપના જ એક ક્ષત્રિય નેતાને ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જઈને માફી માંગી હતી પરંતુ તેમાં માફી કરતા અહંકાર વધુ હતો. તેમણે એમ કહ્યું હતું કે આમ તો હું માફી માંગતો નથી પરંતુ આ તો મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલે માફી માંગી રહ્યો છું ! શું આને માફી કહેવાય ? આ લડાઈ લેઉવા-કડવા પાટિદારોની નથી બલ્કે સમગ્ર પાટીદાર સમાજે એક થઈને પરેશ ધાનાણીને એક તક આપવા તેમણે અપીલ કરી હતી.
જ્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે રૂપાલાએ જાણી જોઈને આવું નિવેદન આપ્યું છે. જો તેમનાથી ભૂલથી બોલાઈ ગયું હોય તો ભૂલ સ્વીકારીને તેમણે ફોર્મ પાછું ખેંચી લીધું હોત પરંતુ એવું બન્યું નથી. ભાજપે પાટીદારો, દલિતો, મુસ્લિમોને દબાવીને રાજ કર્યા બાદ હવે ક્ષત્રિય સમાજ ઉપર દમન શરૂ કર્યું છે.
કોંગ્રેસના `ફાયરબ્રાન્ડ’ નેતા જીજ્ઞેશ માવાણીએ કહ્યું કે ઘમંડમાં હોવાને કારણે જ રૂપાલા ભાન ભૂલી ગયા છે. આ ક્ષત્રિય સમાજનું નહીં બલ્કે તમામ માતા-બહેનોનું અપમાન છે. કોંગ્રેસ તેને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશે !
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું કે ૨૦૦૯માં રાજકોટને મને જીતાડ્યા બાદ અહીંના સામાન્ય લોકોને પોલીસ, મનપા, કલેક્ટર કચેરીના અધિકારીઓ જવાબ આપતા થઈ ગયા હતા ત્યારે જો પરેશ ધાનાણીને જીતાડશો તો એવો જ સમય પાછો લાવશું.
આ ઉપરાંત ધારાસભ્ય વીમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત, પૂંજા વશ ઉપરાંત અન્ય નેતાઓ સિદ્ધાર્થ પટેલ, મહેશ રાજપૂત સહિતનાએ સંબોધન કરીને ભાજપ પર આકરાં પ્રહારો કર્યા હતા.
૧૧:૩૦ના ટકોરે સભામાં લાઈટ ગુલ
પરેશ ધાનાણી ઉમેદવારી નોંધાવે તે પહેલાં કોંગ્રેસ દ્વારા બહુમાળી ચોકમાં સભા આયોજિત કરવામાં આવી હતી. સભામાં સંબોધન ચાલી રહ્યું હતું બરાબર ત્યારે જ ૧૧:૩૦ના ટકોરે લાઈટ ચાલી જતાં થોડી વાર માટે બધું અટકી પડ્યું હતું. કોંગ્રેસ દ્વારા જાણીજોઈને લાઈટ કાપી નાખવામાં આવી હોવાના આક્ષેપો પણ કરાયા હતા.