રાજકોટમાં જ ભણ્યો છું, રાજકોટને સારી રીતે જાણું છું : મ્યુનિસિપલ કમિશનર સુમેરા
ટીમવર્ક થકી તમામ પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરીશું : 34માં મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સાંભળતા તુષાર સુમેરા
રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર દેવાંગ દેસાઈની બદલી થયા બાદ 34માં કમિશનર તરીકે તુષાર સુમેરાની નિમણુંક થતા સોમવારે તેઓએ વિધિવત રીતે કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, હું રાજકોટમાં ભણ્યો છું, રાજકોટમાં જ મોટો થયો છું જેથી રાજકોટને સારી રીતે જાણું છું. જ્યા ભણ્યા એ જ સ્થળે કમિશનર તરીકે જવાબદારી મળવી તે સદભાગ્ય હોવાનું ઉમેરી રાજકોટના પ્રશ્ન ઉકેલવા ટીમવર્ક થકી પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈની બદલી બાદ ભરૂચ કલેકટર તરીકે ફરજ બજાવનાર તુષાર સુમેરાને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તુષાર સુમેરા રાજકોટમાં જ ભણ્યા છે, વર્ષ 2012 ગુજરાત કેડરના આઈએએસ તુષાર સુમેરાએ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં ચાર્જ સાંભળતા જ હળવા હૈયે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે હું સર્કિટ હાઉસથી અહીં આવ્યો તો રસ્તામાં હું જ્યા ભણ્યો હતો તેવી મારી સ્કૂલ આવી હતી. તેમજ મારા ગામ જતો ત્યારે બસ સ્ટેન્ડથી બસમાં બેસતા સમયે મહાનગર પાલિકાની કચેરી નજીકથી અનેક વખત પસાર થયો હતો. આજે એ જ કચેરીમાં મહત્વની જવાબદારી મળી તે માટે હું ભાગ્યશાળી સમજુ છું.
બીજી તરફ મીડિયા સાથે નિખાલસ ચર્ચા દરમિયાન ટીઆરપી ગેમઝોન બાદ રાજકોટમાં પ્લાન પાસ કરવામાં થઇ રહેલી ઢીલ અને બિલ્ડરોની નારાજગી સહિતની બાબતો અંગેના સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ ફરજ દરમિયાન કોઈ ને કોઈ ચેલેન્જ હોય છે. ત્યારે રાજકોટના પ્રશ્નોને લઇ અધિકારીઓ સાથે મળી ટીમવર્કથી પ્રજાલક્ષી કામગીરી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવી પ્રયાસો હમેશા સાંફળ જ રહેતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
