રાજકોટના બજેટની તૈયારી: `વિકાસ’ કેવી રીતે કરીશું..? લોકો પાસેથી સૂચન મંગાવતી મનપા
- શહેરનું ભલું થાય તેવી સુવિધા સૂચવવા અપીલ: ગ્રાહ્ય રખાય તેવા સૂચન બજેટમાં સામેલ કરાશે
રાજકોટ મહાપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરનો `વિકાસ’ સુચવતાં સુચનોને બજેટમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા બજેટમાં લોકોની અપેક્ષાઓનું યોગ્ય પ્રતિબિંબ ઝીલાય, શહેરનો સર્વોંગી અને સમતોલ વિકાસ થાય તેમજ મહાપાલિકાની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને તે માટે શું શું કરી શકાય તે માટે લોકો પાસેથી સુચન માંગવામાં આવ્યા છે.
આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષ રાડિયાએ જણાવ્યું કે બજેટ ૨૦૨૪-૨૫માં પણ શહેરનો વિકાસ વેગવાન બને તેમજ લોકોના સ્થાનિક પ્રશ્નોને વાચા મળી રહે તે માટે લોકોના સુચન મહત્ત્વના બની જાય છે. મહાપાલિકાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકેની અતિ મહત્ત્વપૂર્ણ જવાબદારી નીભાવવાની થતી હોય તેના વહીવટમાં નાગરિકોના અવાજનો પણ યોગ્ય પડઘો પડે તે ખૂબ જ આવકારદાયક બાબત ગણાશે.
મહાપાલિકાના બજેટમાં તંત્રએ કેવી કેવી જનસુવિધાઓ માટે જોગવાઈ કરવી જોઈએ તે વિશે લોકો પાસેથી સુચન મંગાવવામાં આવ્યા છે. લોકો મહાપાલિકા પાસે કેવી અપેક્ષા રાખે છે તે વિશે પણ લોકોને પોતાના સુચન મોકલવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાની આર્થિક સ્થિતિ યોગ્ય સ્તરે જળવાઈ રહે અને શક્ય હોય એટલી વધુ મજબૂત બને તે માટે કરમાળખા સહિતના નાણાકીય આયોજનમાં કેવા કેવા પગલાં લઈ શકાય તે વિશે પણ લોકો પોતાના સુચન ૧૦ જાન્યુઆરી સુધી મહાપાલિકાની વેબસાઈટ http://www.rmc.gov.in/FormBugetsuggestions પર મોકલી શકશે.
