ગુજરાતમાં ગુનાખોરી કેવી રીતે ઘટાડવી ? આજે રાજકોટમાં થશે પ્લાનિંગ
ડીજીપી વિકાસ સહાયની હાજરીમાં સવારે ૧૧ વાગ્યાથી ક્રાઈમ કોન્ફરન્સ: રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતના પોલીસ કમિશનરની હાજરી
રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, પંચમહાલ-ગોધરા રેન્જના આઈજીની ઉપસ્થિતિ પેટા: સાંજ સુધી બેઠક ચાલશે: કમિશનર કચેરીમાં થશે મંથન
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ગુનાખોરી ચિંતાજનક હદે વધી રહી હોય પોલીસ માટે દિવસેને દિવસે પડકાર ઉભા થઈ રહ્યા છે. ગૃહમંત્રી દ્વારા ટપોરીઓ, લુખ્ખાઓ, ગાઠિયાદાદાઓના
વરઘોડા’ કાઢવાનો આદેશ અપાયા બાદ આ દિશામાં કાર્યવાહી કરાઈ રહી છે પરંતુ તેની જોઈએ તેવી અસર થઈ રહી નથી. બીજી બાજુ નાતાલ, થર્ટીફર્સ્ટ સહિતના તહેવાર આવી રહ્યા હોય રાજ્યમાં ગુનાખોરીને કંટ્રોલમાં કેવી રીતે લાવવી તેનું પ્લાનિંગ કરવા માટે આજે રાજકોટમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં ક્રાઈમ કોન્ફરન્સ શરૂ થશે જેમાં રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ ભાગ લઈ રણનીતિ ઘડશે.
આ પ્રકારની ક્રાઈમ કોન્ફરન્સ સમયાંતરે યોજાતી હોય છે પરંતુ તે અમદાવાદમાં જ મળી રહી હોવાનો સિલસિલો રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા તોડવામાં આવ્યો હતો અને દરેક શહેરમાં આ પ્રકારની કોન્ફરન્સ યોજાય તેવો નિર્ણય લીધો હતો જે અંતર્ગત પાછલી ક્રાઈમ કોન્ફરન્સ અમદાવાદ અને વડોદરામાં યોજાઈ ગયા બાદ હવે તેની યજમાની રાજકોટને મળી છે.
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં સવારે ૧૧ વાગ્યાથી આ કોન્ફરન્સનો પ્રારંભ થશે જે મોડી સાંજ સુધી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કોન્ફરન્સમાં રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, સુરત પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત, વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિક ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, અમદાવાદ રેન્જ આઈજી જે.આર.મોથલિયા, બોર્ડર રેન્જ-ભૂજ આઈજી ચિરાગ કોરડીયા, વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘ, સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, પંચમહાલ-ગોધરા રેન્જ આઈજી આર.વી.અસારી, જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા પણ હાજર રહેશે.
જ્યારે રાજકોટના તમામ ડીસીપી, એસપી સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લઈ ગુનાખોરીને કેવી રીતે કાબૂમાં લેવી તેને લઈને મંથન કરશે. ૧૧ વાગ્યે બેઠક શરૂ થયા બાદ બપોરે ૧ વાગ્યે લંચબ્રેક પડશે અને ત્યારબાદ ફરી બેઠક શરૂ થશે જે મોડે સુધી ચાલી શકે છે.
રાજકોટમાં પહેલી વખત આ પ્રકારની ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે
ગુજરાતની ક્રાઈમ કોન્ફરન્સ સામાન્ય રીતે અમદાવાદમાં જ યોજાતી હોય છે પરંતુ ડીજી વિકાસ સહાય દ્વારા દરેક શહેરમાં તેનું આયોજન કરવાનો નવતર અભિગમ અખત્યાર કર્યા બાદ રાજકોટને પહેલી વખત આ કોન્ફરન્સનું યજમાનપદ મળ્યું છે. પહેલી વખત એવું બનશે કે જ્યારે ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓ રાજકોટના મહેમાન બનશે અને અહીં બેસીને ગુનાખોરી અંગે મનોમંથન કરશે.
મોરબી, જામનગર, દ્વારકા સહિત પાંચ જિલ્લા એસપીની ઉપસ્થિતિ
આ કોન્ફરન્સમાં રેન્જ આઈજી ઉપરાંત રાજકોટ રેન્જમાં સામેલ પાંચેય જિલ્લા એસપી ઉપસ્થિત રહેશે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, દ્વારકા એસપી નીતેશ પાંડે અને સુરેન્દ્રનગર એસપી ડૉ.ગીરીશ પંડ્યાનો સમાવેશ થાય છે. આ સિવાય રાજકોટ એસપી હિમકરસિંહ પણ બેઠકમાં ભાગ લેશે.
મોરબી તોડકાંડ', સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સહિતના મુદ્દા ગુંજશે ક્રાઈમ કોન્ફરન્સમાં આમ તો ગુજરાતને લગત તમામ પ્રકારના નાનામાં નાના અને મોટામાં મોટા ગુના અંગે ચર્ચા કરવામાં આવશે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તાજેતરના દિવસોમાં મોરબીમાં પીઆઈ અને કોન્સ્ટેબલ દ્વારા હોટેલમાં જુગારની રેડ પાડીને ૫૧ લાખનો તોડ કર્યાનો બનાવ બનવા ઉપરાંત સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વારંવાર પડેલા દરોડાનો મુદ્દો ચર્ચામાં અગ્રસ્થાને રહી શકે છે. આ ઉપરાંત રાજકોટ પોલીસમાં પણ નાની-મોટી
ખટપટ’ અંગેનો રિપોર્ટ ડીજી માંગી શકે છે.