આવાસ ૧૮૩, અરજદારો ૬૧૦૬: લાગે એ ‘નસીબદાર’
સૌથી વધુ ૪૧૭૭ ફોર્મ ૫.૫૦ લાખના ફ્લેટ માટે ભરાયા: ટૂંક સમયમાં કરાશે ડ્રો
મહાપાલિકા દ્વારા જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળી રહે તે માટે અલગ-અલગ વિસ્તારમાં આવાસ યોજના અમલી બનાવવામાં આવી છે જેમાં અનેક પરિવાર વસવાટ કરી રહ્યા છે. આ પૈકી અમુક આવાસ યોજનામાં ફ્લેટ ખાલી પડ્યા હોવાથી મહાપાલિકા દ્વારા તે ફ્લેટના ડ્રો માટે અરજી મંગાવવામાં આવી હતી. આવા ૧૮૩ ફ્લેટ માટે ૬૦૬૧ અરજદારોએ ફોર્મ ભરતા હવે ડ્રો થયા બાદ જેને આવાસ લાગશે તે ખરેખર નસીબદાર ગણાશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
મહાપાલિકા દ્વારા એમઆઈજી (મીડલ ઈન્કમ ગ્રુપ) કેટેગરીના ૫૦ આવાસ જેમાં જયમીભનગર, જડ્ડુસ રેસ્ટોરન્ટવાળો રોડ, વિમલનગર મેઈન રોડ, દ્વારકાધીશ હાઈટસની બાજુમાં, ૧૫૦ ફૂટ રોડ અને સેલેનિયમ હાઈટસ સામે મવડી પાળ ગામ રોડ એમ ચાર સાઈટ માટે ૫૦ આવાસ માટે અરજી મંગાવવામાં આવી હતી. આ કેટેગરીના આવાસમાં ત્રણ બેડરૂમ, હોલ, કિચન સહિતની સુવિધા છે અને તેની કિંમત ૧૮ લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. આમ ૫૦ ફ્લેટ માટે ૧૯૨૯ લોકોએ ફોર્મ ભર્યા હતા.
આ જ રીતે પુનિતનગર પાણીના ટાંકાની સામે, સેલેનિયમ હાઈટસની સામે, મવડી પાળ ગામ રોડ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ સાઈટ પરના ૧૩૩ આવાસ માટે અરજી મંગાવાઈ હતી જે માટે ૪૧૭૭ અરજદારોએ ફોર્મ ભર્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ આવાસની કિંમત ૫.૫૦ લાખ રૂપિયા છે જેમાં ૧.૫ બેડરૂમ, હોલ, કિચનની સુવિધા મળશે.