મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલનો ઐતીહાસીક ચુકાદો
અકસ્માતના કેસમાં વાહનના માલિક સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવા આદેશ
વીમા વગરના વાહનથી અકસ્માત સર્જ્યા બાદ વળતર ન ચૂકવવું પડે તે માટે ખેતીની જમીનમાંથી પોતાનો હક્ક જતો કરનાર વાહન માલિકને કોર્ટની ફટકાર
વીમા વગર વાહન ચલાવવું વાહન માલિક માટે આર્થિક નુકશાનદેહ સાબિત થવાની સાથે ફોજદારી ગુન્હા માટે પણ કારણભૂત બનતું હોવાનો ઐતિહાસિક ચુકાદો રાજકોટની મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલે આપ્યો છે. રાજકોટમાં 11 વર્ષ પહેલાના અકસ્માત અંગેના કેસમાં મૃતકના વારસદારોએ વળતર માટે દાવો કર્યા બાદ નામદાર કોર્ટે વળતર ચૂકવવા આદેશ કરવા છતાં વળતર ન ચૂકવવું પડે તે માટે વાહન માલિકે પોતાની ખેતીની જમીન અન્યોના નામે ટ્રાન્સફર કરી પોતાનો હક્ક જતો કરતા આ બાબતની નોંધ લઈ ટ્રીબ્યુનલ કોર્ટે રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટના રજિસ્ટ્રારને વાહનના કબ્જેદાર વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો છે.
આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2013માં રાજકોટમાં દુધની ડેરી પાસે, અતુલ શકિત રીક્ષા નંબર જીજે-09-વાય-723 અને મોટર કાર નં. જીજે-11- એસ-917 વચ્ચે અકસ્માત થયેલ જેમાં રીક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા સુરેશભાઈ કરશનભાઈ ચાંઉનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થતા તેમના વારસદારોએ રાજકોટ મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં કલેઈમ કેસ નં. 895/2013 થી વળતર મેળવવા માટે કલેઈમ કેસ દાખલ કરતા રૂપિયા 30,58,616 વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે રૂપિયા 55,46,094 ચુકવવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ અને આ રકમ વાહનના કબજેદાર અને માલીક સામે સંયુકત અને વીભકત રીતે રકમ જમા કરવવા માટે હુકમ કરવામાં આવેલ હતો.
બીજી તરફ વાહનના કબ્જેદાર દ્વારા કલેઈમ કેસમાં કોર્ટના હુકમ મુજબની રકમ અરજદારને ચુકવેલ નહી કે, નામદાર કોર્ટ માં જમા કરાવેલ નહી જેથી ગુજરનારના વારસદારો ધ્વારા કોર્ટના હુકમ મુજબની વસુલી માટે દરખાસ્ત નં. 107/2022થી કોર્ટમાં દાખલ કરવામાં આવતા મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી રહે. જસદણ વાળા હાજર થયેલ હતા અને દરખાસ્તના કામમાં ફરિયાદ પક્ષે મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીની મીલ્કત-ખેતીની જમીન ટાંચમાં લેવાની અરજી કરવામાં આવેલ તેમજ તે મિલ્કત અન્ય કોઈ વ્યકિતને વેચાણ ન કરી શકે કે કોઈના નામે તબદીલ ન કરી શકે તે અંગે અરજી આપવામાં આવેલ અને આ અરજી સામે મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીએ ચાલુ કેસ દરમ્યાન પોતાની મિલ્કત વેચાણ કે ટ્રાન્સફર કરશે નહી તેવી બાંહેધરી કોર્ટ સમક્ષ આપેલ હતી. આમ છતાં મીઠાભાઈ છાયાણીએ ગુજરાત હાઈકોર્ટમાં સીવીલ એપ્લીકેશન નંબર 01/2023થી રાજકોટ કોર્ટમાં દાખલ થયેલ દરખાસ્ત સામે સ્ટે મેળવવા માટે અરજી કરેલ જેમાં ટ્રાયલ કોર્ટના હુકમ મુજબ રકમ જમા કરાવવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ કરેલ હતો.
સાથે જ ટ્રીબ્યુનલ કોર્ટ અને હાઇકોર્ટના હુકમનું પાલન કરવાને બદલે વાહન માલિક એવા મીઠાભાઇએ જસદણ ખાતે આવેલ ખેતીની સર્વે નં. 1250/7 પૈકી ૬ ની ખેડવાણ જમીન પોતાના પરીવારના નામે તબદીલ કરી પોતાનો હકક કાયમી માટે જતો કરેલ. આમ મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીએ કાવતરૂ ઘડીને અને કાયદાની દ્રષ્ટીએ માન્ય નથી તેવુ કૃત્ય કરેલ અને હાઈકોર્ટના નિર્દેશ મુજબ રાજકોટની નામદાર ટ્રીબ્યુનલ સમક્ષ રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહીને રાજકોટની માનનીય ટ્રીબ્યુનલને પણ ગેરમાર્ગે દોરેલ.નોંધનીય છે કે, અકસ્માત સર્જનાર મીઠાભાઇના વાહનને અકસ્માત સમયે વીમો પણ ઉતરાવેલ ન હતો.
ત્યારબાદ મૃતક સુરેશભાઈ કરશનભાઈ ચાંઉના વારસદારોએ દાખલ કરવામાં આવેલ દરખાસ્ત નં. 107/2022 માં મોટર વ્હીકલ એકટની કલમ 174 મુજબ રીકવરી સર્ટીફીકેટ રાજકોટની ટ્રીબ્યુનલે ઈસ્યુ કરેલ અને રાજકોટ કલેકટર દ્વારા મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીની માલીકીની ખેતીની જમીન પર બોજો દાખલ કરવામાં આવેલ હતી સાથે જ રાજકોટ ટ્રીબ્યુનલને ગેરમાર્ગે દોરવા બદલ અરજદાર રાહુલ સુરેશભાઈ ચાંઉ દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ 340, 195(1)(બી) તેમજ ભારતીય દંડ સહીંતાની કલમ 206, 207, 120(બી) વી. મુજબ શીક્ષા પાત્ર ગુન્હાઓ અંગેની ફરીયાદ દાખલ કરવા લેખીતમાં રજુઆત કરતા ટ્રિબ્યુનલે ડીસ્ટ્રીકટ કોર્ટના રજીસ્ટ્રારને મીઠાભાઈ છાયાણી વિરુદ્ધ રાજકોટ યુનિવર્સીટી પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી કોર્ટને રિપોર્ટ કરવા આદેશ કર્યો છે, આ કેસમાં અરજદાર વતી એડવોકેટ અજય કે. જોષી તથા પ્રદિપ આર. પરમાર રોકાયેલ હતા.