નાનપણમાં રમકડામાં પ્લેનથી રમતી હિલોની હવે ઇન્ડીગોની ફ્લાઇટ ઊડાડશે
રાજકોટના શેઠ પરિવારની પુત્રીની ઊંચી ઉડાન
લંડનથી આર્કિટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પાઈલોટ બનવાનું સપનું હિલોની શેઠે સાકાર કર્યું
તાલીમ પૂર્ણ કરી હિલોનીએ જન્મભૂમિ રાજકોટમાં પ્રથમ વખત વિમાન લેન્ડ કર્યું

રાજકોટના શેઠ પરિવારની પુત્રી હિલોની કેતનભાઈ શેઠે નાનપણમાં પાયલોટ બનીને ઉંચી ઉડાન ભરવાનું સપનું અંતે સાકર કરી પરિવાર અને રાજકોટનું નામ રોશન કર્યું છે. હિલોની જયારે અઢી વર્ષની હતી ત્યારે પરિવાર સાથે પહેલી વખત પ્લેનમાં બેઠી હતી. હિલોનીને નાનપણથી જ પ્લેન ખૂબ ગમતા અને તે રમકડામાં પ્લેનની જ ખરીદી કરતી હતી અને તેની સાથે રમતી હતી. નાનપણમાં પ્લેન ઊડાડવાનું જોયેલું સપનું હિલોનીએ અંતે પૂર્ણ કર્યું છે. અને આગામી દિવસમાં તે હવે ઇન્ડીગોની પાઈલોટ બની પ્લેન ઉડાવા જઈ રહી છે.

હિલોનીના પિતા કેતનભાઈ કોન્ટ્રાક્ટર છે, તેમણે જણાવ્યું હતું કે, હિલોનીની નાનપણથી જ ઈચ્છા હતી કે, તે પાયલોટ બને, જેથી અમે પણ તેને પૂરે પૂરો સપોર્ટ કર્યો હતો. હિલોનીના અભ્યાસની વાત કરવામાં આવે તો હિલોનીએ 12 સાયન્સ કર્યા પછી બિઝનેશમાં પિતાનો સાથ આપવા હીલોનીએ લંડનથી આર્કિટેકનો અભ્યાસ કર્યો તે આર્કિટેકનો અભ્યાસ કરવા માટે લંડન ગઈ હતી. જ્યાં તેને આર્કિટેકનો અભ્યાસ પૂરો કરીને ઈન્ડિયા પરત આવી હતી. પરંતુ તેનું સપનુંતો પાઈલોટ બનવાનું હતું જેથી પરિવારના સહયોગથી તેણે આ સપનું સાકાર કર્યું. હિલોનીએ 2021માં પાયલોટ માટેની તાલીમ મહેસાણા બ્લુ એવિએશન પ્રાઇવેટ લિમિટેડમાં શરૂ હતી, જ્યાં તેને સિંગલ એન્જિન માટેની તાલીમ લીધી હતી. ત્યારબાદ તેને મલ્ટિ એન્જિન માટેની તાલીમ લીધી હતી. હિલોનીએ કુલ 200 કલાક પૂર્ણ કરીને પાયલોટ બનવાનું લાયસન્સ પ્રાપ્ત કર્યું છે. સૌથી મોટી વાત એ છે ,કે હિલોનીએ તેની જન્મભૂમિ રાજકોટમાં પહેલી વખત વિમાન લેન્ડ કરીને પોતાના 200 કલાક પૂર્ણ કર્યા હતા. બાદમાં એરબસની તાલીમ માટે હિલોની દુબઈ ગઈ અને ત્યાં તાલીમ પૂર્ણ કરી તે પાયલોટ બનવા માટેની તમામ કસોટી પાસ કરી, હિલોનીને ઇન્ડીગોમાં પાઈલોટ તરીકે પસંદ કરવામાં આવી છે. હવે એકાદ મહિનામાં તે ઇન્ડીગોમાં પાઈલોટ તરીકે જોડાશે. દીકરીનું પાયલોટ બનવાનું આ સપનું સાકાર થતા પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાંથી પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરુદ હિલોનીએ મેળવ્યું છે.

જે પ્લેનમાં હું મુસાફરી કરુ તેની પાઈલોટ હિલોની હોય તે ક્ષણની રાહ:કેતનભાઈ
વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં હિલોનીના પિતા કેતનભાઈ શેઠે જણાવ્યું હતું કે, પુત્રી હિલોનીનું પાઈલોટ બનવાનું સપનું સાકાર કરવા તમામ મદદ કરી છે. આજે હિલોની પાઈલોટ બની છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. હવે એ ક્ષણની હું રાહ જોઈ રહ્યો છું કે હું મુસાફર તરીકે જે પ્લેનમાં બેસું અને એ પ્લેનની પાઇલટ મારી દીકરી હોય. આ પ્લેન ઉડાન ભરે એ પહેલાં પાઇલટના નામની જાહેરાત કરવામાં આવે એ ક્ષણની હું રાહ જોઈ રહ્યો છું.
દેશ સેવા કરવા ઈચ્છા:હિલોની
હિલોનીએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારા માતા-પિતાના સહયોગને કારણે જ માંરૂ સપનું સાકાર થયું છે અને આજે હું અહીંયા સુધી પહોંચી છું. સૌથી પહેલી વખત ઉડાન મેં મહેસાણાથી ભરી હતી. જેમાં તે મહેસાણાથી અમરેલી અને ત્યારબાદ અમરેલીથી રાજકોટ લેન્ડિંગ કર્યું હતું. હિલોનીએ વધુમાં જણાવ્યું કે, તે આગળ જઇને દેશની સેવા કરવા માંગે છે,જેથી આગળ જતા તેને તક મળશે તો તે સૌથી પહેલા દેશની સેવા કરવાનું પસંદ કરશે.
