અત્ર,તત્ર,સર્વત્ર શિવ, સઘળે શિવ,સઘળું શિવ
શ્રાવણમાં દિલથી બમ બમ ભોલે બોલાઈ જાય તો બેડો પાર થઈ જાય
મહાભારતના દ્રોણપર્વમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. અર્જુન રણમેદાનમાં મહર્ષિ વેદ વ્યાસને પ્રશ્ન કરે છે કે હું જ્યારે પણ મારા બાણો છોડીને શત્રુ સેનાનો સંહાર કરું છું ત્યારે એક અગ્નિ સમાન મહાપુરુષ મારી આગળ ચાલી અને શત્રુઓનો નાશ કરતાં હતા.તેમના હાથમાં ત્રિશૂળ હતું અને તેમાંથી અનેક ત્રિશુલો નીકળી પ્રહાર કરતાં હતા.તેમના પગ પૃથ્વીને સ્પર્શ કરતા ન હતા.એ મહાપુરુષ કોણ હતા?
ત્યારે મહર્ષિ વેદ વ્યાસ ભગવાન શંકરનો મહિમા વર્ણવે છે. તેઓ અર્જુનને કહે છે કે તને જેના દર્શન થયા તે ભગવાન શંકર છે. જે સર્વના શાસક અને વરદાતા છે. તેઓ રુદ્ર રૂપે સર્વેનો સંહાર કરે છે, ભૂત ભવિષ્ય અને વર્તમાનના સ્વામી છે. તેઓ અજય છે. ભગવાન શંકર તેમના ભક્તોની રક્ષા કરે છે અને વિજય અપાવે છે માટે તું એ શાંત સ્વરૂપ ભગવાન શંકરને નમસ્કાર કરતો રહેજે.
પછી વેદ વ્યાસ ભગવાન શંકરના ઉગ્ર સ્વરૂપનું પણ વર્ણન કરતા કહે છે કે ભગવાન શંકર સંહારના સ્વામી છે.જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે તેમની સામે કોઈ ટકી શકતું નથી. તેમના ક્રોધની ગંધ માત્રથી જ શત્રુઓ મૂર્છિત થઈ જાય છે.ત્રણે લોકમાં એવું કોઈ પ્રાણી નથી કે જે ત્રિપુરારી સામે લડી શકે.તું એ કાલમૂર્તિને નમસ્કાર કર અને તેમના શરણે જા. વિશાળ નેત્રોવાળા, મહાન ઉદરવાળા,પ્રચંડ શરીરવાળા,વ્યાઘ્રામબર ધારણ કરનાર, પીનાક, ધનુષ.ત્રિશૂળ, ખડક અને ઢાલ ધારણ કરનાર એ મહાદેવનું શરણ તું ગ્રહણ કર.
મહર્ષિ વેદ વ્યાસજી શિવ મહિમા વર્ણવતા આગળ કહે છે,’જે નીલકંઠ તેમજ સૂક્ષ્મ સ્વરૂપ ને અત્યંત તેજ સ્વરૂપ છે, દેવોના દેવ, અનંતરૂપધારી,હજારો નેત્ર વાળા, તે ભગવાન ભુતનાથને સહસ્ત્ર વાર પ્રણામ છે. જેમને હજારો નેત્રો, હજારો મસ્તક, હજારો ભુજાઓ અને હજારો ચરણો છે તેમના શરણે તું જા. જેઓ ત્રિશુલ, ઢાલ, તલવાર અને પીનાક, ધનુષ ધારણ કરે છે, જેઓ ગણપતિ,વાકપતિ, યજ્ઞપતિ અને દેવોના પતિ છે, જેમનો વર્ણ પીળો છે તેમજ મસ્તકના કેશ સુવર્ણ સમાન કાંતિમાન છે તે ભગવાન શંકરને તું નમસ્કાર કર’.
શિવજી દેવો ના દેવ છે.દેવાધીદેવ મહાદેવ છે, તેમના વગર કોઈને ચાલે તેમ નથી. ભગવાન શ્રીરામ અને કૃષ્ણ ભગવાનને પણ શંકરદાદા વગર નહોતું ચાલ્યું.લિંગાષ્ટકમ માં શિવ મહિમા આ રીતે કહેવાયો છે,
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम्। जन्मजदुःखविनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्।।
“હું તે સદ શિવલિંગને નમન કરું છું, જે બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવતાઓ દ્વારા પૂજવામાં આવે છે; જે શુદ્ધ અને પવિત્ર વાણી દ્વારા વખાણવામાં આવે છે અને જે જન્મ અને મૃત્યુના ચક્રનો નાશ કરે છે”.
પ્રભુ શ્રી રામે લંકા ઉપર ચડાઈ કરતા પહેલા રામેશ્વરમ ના દરિયાકાંઠે સ્વહસ્તે લિંગ સ્થાપન કરી શિવજીનું પૂજન કર્યું હતું. મહાભારતના યુદ્ધમાં જયદ્રથનો વધ કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને શંકર ભગવાનનું ધ્યાન કરવા કહ્યું હતું. સ્વયં કૃષ્ણ ભગવાન દિવ્ય સ્વપ્ન સ્વરૂપે અર્જુનને શિવજી જ્યા બિરાજમાન હતા એ પર્વત ઉપર લઈ ગયા હતા અને શિવજીનું પૂજન કર્યું હતું. પ્રસન્ન થયેલા શિવજીએ અર્જુનને દિવ્ય શક્તિઓ ધરાવતું પાશુપતાસ્ત્ર આપી તેના ઉપયોગ અંગે જ્ઞાન આપ્યું હતું.
ભગવાન શંકર અદભુત છે.તેત્રીસ કરોડ દેવતાઓ એમના આદેશ હેઠળ કામગીરી બજાવે છે.આખા બ્રહ્માંડ માં કાંઈ પણ ગરબડ થાય તો ઇન્દ્રરાજા થી માંડીને બ્રહ્માજી સુધીનાને અંતે તો શિવ શરણે જ જવું પડે છે.યમરાજા પણ શિવજી કહે એટલુંજ પાણી પી શકે છે.ગમે તેને ઉપાડવાનું નક્કી કર્યું હોય પણ ત્યાં જો શિવજીનું રક્ષણ કવચ હોય તો યમરાજા ને ખાલી હાથે પાછા ફરવું પડે.શિવજીના ગળામાં સર્પોની માળા છે. શિવજીને બે ને બદલે ત્રણ નેત્રો છે.
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय।।
અર્થાત્, જેની માળા તરીકે સર્પોનો રાજા છે અને જેને ત્રણ આંખો છે. જે ભસ્મથી મઢેલા છે અને જે મહાન ભગવાન છે. જે શાશ્વત છે, શુદ્ધ છે અને જેનું વસ્ત્ર આકાશ છે તે શિવને હું નમસ્કાર કરું છું.
શિવજી ત્રીજું નેત્ર સામાન્ય રીતે બંધ રાખે છે,પણ ખોલે ત્યારે ન થવાની થાય છે. તેમને ખલેલ પહોંચાડવાની ગુસ્તાખી કરનાર કામદેવને તેમણે ત્રીજું નેત્ર ખોલીને ભસ્મ કરી દીધા હતા.શિવજી ચંદ્રમૌલેશ્વર છે.હમણાં આપણું ચંદ્રયાન જ્યાં પહોચ્યું એ ચંદ્ર ને તેમણે મસ્તકમાં ધારણ કર્યો છે.ચંદ્રશેખર અષ્ટકમમાં વર્ણન છે,
“चंद्रशेखराश्तकं चंद्रमौलिश्वरं शंकरं चंद्रशेखराचार्यं शान्तं प्रदोषव्रतप्रियम्। चंद्रोदयोदिताक्षं चामुण्डावधूदितम् चंद्रशेखराश्तकं चंद्रमौलिश्वरं शंकरं।।
“હું ભગવાન ચંદ્રશેખરને પ્રણામ કરું છું, જે શાંત પર્વત છે. સાંજના સમયે ચંદ્ર ઉગે ત્યારે જેની આંખો ચમકે છે,જે રાક્ષસ ચામુંડ નો નાશ કરનાર છે, જે ભગવાન તેમના માથા પર ચંદ્ર ધરાવે છે તેમને હું પ્રણામ કરું છું.”
ગંગા નદીને પણ મહાદેવજીએ જટા માં સાચવી છે.શિવજી જટા ખોલે તો ગંગામૈયા અને ચાંદા મામા બંને ગડથોલિયા ખાવા લાગે.સમુદ્રમાં ઘૂઘવતું વિષ શિવજીએ ગળામાં ધારણ કર્યું છે.એક હાથમાં ડમરું અને બીજા હાથમાં ત્રિશુલ છે.પોઠ્યો અને કાચબો એમના કાયમી સાથી છે.શિવજી બિલ્વ પત્ર, ધતુરા અને કેવડાના શોખીન છે.
શંકારદાદા આ બ્રહ્માંડ ની એકમાત્ર મહાસત્તા છે અને છતાં એમની સરળતા,સાદગી અને વિનમ્રતા અદભુત છે.એમને કોઈ પણ નામે બોલાવી શકાય છે.માણસોએ પોત પોતાને ઠીક લાગે એ રીતે શિવજીના એક હજાર તો નામ પડ્યા છે.શિવજી જાણે કે આપણા સાવ અંગત હોય એ રીતે ગમે તે લયમાં,ઢાળમાં,ગમે તે સૂરમાં એમને બોલાવી શકાય છે.એમની સાથે દિલ ખોલીને વાત કરી શકાય છે. તેમને ભોળ્યો નાથ કહી શકાય છે, ભોળ્યો શંભુ કહી શકાય છે.બમ બમ ભોલે એવા પડકારા કરીને દાદાને હાકલ પાડી શકાય છે.અને આ ભોળ્યો નાથ બધાંયનું સાંભળે છે.
શિવજીને કાંઈ મોટપ નથી શરીરે રાખ ચોળે છે.કુબેરનો આખે આખો ભંડાર એમના પગના અંગુઠા હેઠળ હોવા છતાં તેઓને અલંકારોનો કે મોંઘાદાટ વસ્ત્રોનો શોખ નથી.શિવજી શો મેન નથી.પોતાના લગ્નમાં જાન લઈને ગયા ત્યારે પણ એમને એવું નહીં કે ઈંદ્રરાજા કે બ્રહ્માજી કે વિષ્ણુ ભગવાન કે રામ,કૃષ્ણ જેવા પ્રતિષ્ઠિતોને જાન માં લઇ જઈએ.તેઓ તો ઉપડ્યા પોતાના ગણ, ભૂત,પ્રેત વગેરેને લઈને.વરઘોડો જોઈને અડધા માંડવીયા ભાગી ગયા,ભાગી શકે તેમ નહોતા એમાંથી અડધા મૂર્છિત થઇ ગયા.એમના સાસુ ઉર્ફે પર્વતીજીના માતા સુદ્ધાં મૂર્છામાં ઢળી પડ્યા.એક સમયે તો શ્વસૂર પક્ષના વિરોધે એ હદે સ્ફોટક વણાંક લીધો હતો કે જાન લીલા તોરણે પાછી ફરે એવી ગંભીર સ્થિતી સર્જાણી હતી.પણ પાર્વતીજી મક્કમ હતા.અંતે શિવજીનું ઘર બંધાયું.શિવજી ઉમાપતિ બન્યા.
શિવજી અત્ર, તત્ર,સર્વત્ર છે. શિવજીને ઓળખી શક્યા હોય એ તો એવું કહે છે કે કણ કણમાં શિવ છે,સઘળું શિવમય છે.
नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम्। निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्।।
“હું એ પરમ ભગવાનને પ્રણામ કરું છું, જે શાશ્વત આનંદ અને અપાર સ્વરૂપ છે, જે સર્વવ્યાપી છે અને શાસ્ત્રોને મૂર્તિમંત કરે છે, લક્ષણો વિના, કલ્પનાની બહાર, અને કોઈપણ ઇચ્છાથી પરે છે. હું તેમની પૂજા કરું છું, જે આકાશમાં આકાશ છે. “
આવા આ દેવાધિદેવ ભક્તો ઉપર કૃપા વરસાવવામાં કંજુસાઈ નથી કરતા
હર હર મહાદેવનો દિલથી નાદ લગાવો,જય ભોલેનાથનો પોકાર પાડો,એક બીલીપત્ર અને ટબુડી દુધથી સ્નાન કરાવો એટલે ભોલેનાથ ખુશખુશાલ થઈને પોતાની દયાના ભંડાર ભક્તો ઉપર ઓળઘોળ કરી દે છે.
શ્રાવણ મહિનો શિવજીની સ્તુતિ,શિવ ભક્તિમાં લીન થવાનો,જીવને શિવની શરણમાં મૂકી દેવાનો મહિનો છે.આ મહિનાનું મહત્વ અનેરું છે.કૃષ્ણ ભગવાન જેવા કૃષ્ણ ભગવાને જન્મ લેવા માટે આ મહિનો પસંદ કર્યો હતો.આ શ્રાવણમાં એક વાર દિલથી જય ભોલેનાથ બોલાઈ જાય તો બેડો પાર થઇ જાય.જીવ પર શિવની કૃપા થાય તો સઘળું શિવમય થઈ જાય.