હીટવેવ વધશે : રાજકોટ જિલ્લામાં હાઇએલર્ટ
જિલ્લા કલેકટર દ્વારા ડીસ્ટ્રીકટ હિટ એક્શન ટાસ્ક ફોર્સની રચના : અલગ અલગ 30 વિભાગોની કમિટી બનાવવામાં આવી
રાજકોટ : હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નવી દિલ્હીની એડવાઈઝરી સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ડીસ્ટ્રીકટ હિટ એક્શન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લાની અલગ અલગ 30 કચેરીઓના વડાને સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં એપ્રિલના અંત ભાગમાં તેમજ મે મહિનામાં સિવિયર હિટવેવની આગાહી જોતા આ ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ હિટવેવની આગાહી વચ્ચે ગત તા.17 એપ્રિલના રોજ રાજકોટમાં 43.8 ડિગ્રી અને અમરેલી સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જો કે ત્યાર બાદ ક્રમશ તાપમાનમાં ઘટાડા વચ્ચે ફરી એક વખત હવામાન વિભાગે હિટવેવની આગાહી કરતા રાજકોટ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નવી દિલ્હીની એડવાઈઝરી મુજબ ડીસ્ટ્રીકટ હિટ એક્શન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે,
ડીસ્ટ્રીકટ હિટ એક્શન ટાસ્ક ફોર્સમાં રાજકોટ જિલ્લા કલેકટર અધ્યક્ષ છે જયારે જિલ્લા વિકાસ અધિકારીને સભ્ય સચિવ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક, અધિક જિલ્લા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ, માર્ગ અને મકાન વિભાગ, એસટી વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી, આરટીઓ, વનવિભાગ, તમામ તાલુકા વિકાસ અધિકારી, તમામ મામલતદાર, તમામ ચીફ ઓફિસર, મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિતના વિભાગોને સભ્ય તરીકે નિમણુંક આપી એલર્ટ કરવામાં આવ્યા છે.