પોલીસ હેડ ક્વાટર હિન્દુ-મુસ્લિમ મિત્રોએ ૨૫ વર્ષ પહેલા બંધાવ્યું હતું હનુમાનજી દાદાનું મંદિર
રાજકોટ બાલાજી મિત્ર મંડળ લાઇન બોય યુવા ગ્રુપ કરે છે હનુમાનજી દાદાની સેવા-પુજા: તમામ ધર્મના તહેવારોની થાય છે હર્ષોલ્લાસ સાથે ઉજવણી: ઉચ્ચ અધિકારીઓ પણ આપે સાથ સહકાર
રાજકોટમાં પોલીસ હેડ ક્વાટર ખાતે અંદાજે ૨૫ વર્ષ પહેલા હનુમાનજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હેડક્વાટરમાં તે સમયે અંબાજી માતાજીનું એક માત્ર મંદિર હતું. તેવામાં હેડક્વાટરમાં રહેતા યુવાનોને હનુમાનજી દાદાનું મંદિર બનાવવાનો વિચાર આવ્યો આવ્યો હતો અને બાલાજી મિત્ર મંડળ લાઇનબોય યુવા ગ્રુપ દ્વારા ફાળો એકઠો કરવામાં આવ્યો અને શ્રી બાલાજી હનુમાનજી દાદાનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું.
પોલીસ હેડ ક્વાટર. એક એવી જગ્યા કે જ્યાં તમામ જ્ઞાતિ-જાતિ, ધર્મ, કોમના લોકો રહે છે. અહી કોઈ ધર્મ કે જ્ઞાતી આધારિત પરિવાર ઓળખાતો નથી પરંતુ પોલીસ હેડ ક્વાટરમાં રહેતા તમામ લોકોને પોલીસ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ પોલીસ હેડ ક્વાટરમાં તમામ ધર્મના ધાર્મિક પ્રસંગો ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. જેમાં નાના કર્મચારી થી લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રસંગમાં ભાગને લઈને પોલીસ પરિવાર સાથે ઉજવણી કરે છે.
રાજકોટ પોલીસ હેડ ક્વાટરમાં નવા ત્રણ માળીયા પાસે શ્રી બાલાજી હનુમાનજી દાદાનું મંદિર છે. આવેલું છે. જેની સ્થાપના વર્ષ ૧૯૯૮ આસપાસ કરવામાં આવી હતી. તે સમયે હેડ ક્વાટરમાં એક માત્ર અંબાજી માતાજીનું મંદિર હતું. નાળાજી હનુમાનજી મંદિર કઈ રીતે બન્યું તે અંગે બાલાજી મિત્ર મંડળ લાઇન બોય યુવા ગ્રુપે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા હેડ ક્વાટરમાં અંબાજી માતાજીનું મંદિર હતું. તે સમયે અમે બધા મિત્રો નાના હતા. રમવા માટે ભેગા થતાં ત્યારે વિચાર આવ્યો કે હેડ ક્વાટરમાં હનુમાનજી દાદાનું મંદિર બનાવીએ. બસ પછી ગ્રુપના તમામ મિત્રોએ પોતાની સગવડતા પ્રમાણે રૂપિયા ભેગા કર્યા, ફાળો કર્યો અને ઉચ્ચ અધિકારીઓએ પણ પોતાનું યોગદાન આપ્યું.
આમ હનુમાનજી દાદાનું મંદિર બંધાવ્યું. પોલીસ હેડ ક્વાટરમાં તમામ ધર્મના લોકો રહે છે. અમારા બાલાજી મિત્ર મંડળ લાઇન બોય યુવા ગૃપમાં પણ ખાલી હિન્દુ જ નહિ પંરતુ મુસ્લિમ ધર્મના મિત્રો પણ છે. જેમણે પણ શ્રી બાલાજી હનુમાનજી દાદાના મંદિર બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેઓ પણ તન, મન અને ધનથી હનુમાનજી દાદાની સેવા કરે છે. જે એક કોમી એકતાનું ઉદાહરણ છે. હેડ ક્વાટરમાં હિન્દુ ધર્મની સાથે તમામ ધર્મના ધાર્મિક પ્રસંગો હેડ ક્વાટરમાં રહેતા તમામ લોકો એક પોલીસ પરિવાર બનીને ઉજવે છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં માત્ર હિન્દુ તહેવારની જ નહીં અહિંયા તાજીયા પર્વની ઉજવણી પણ ખુબ ધુમધામ રીતે કરવામાં આવે છે.
ગ્રુપના સભ્યો કોઈ પીઆઇ બન્યા તો કોઈ વિદેશમાં સ્થાઈ થયા
બાલાજી મિત્ર મંડળ લાઇન બોય યુવા ગૃપ દ્વારા પોલીસ હેડ ક્વાટરમાં બાલાજી હનુમાનજી દાદાનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપના સભ્યોને હનુમાનજી દાદા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. તેમની સેવા-પૂજાને કારણે આ ગ્રુપના ૪ સભ્યો આજે પીઆઇ બની ગયા છે, તો કોઈ બેંકમાં અધિકારી છે, તો વળી કેટલાક સભ્યો વિદેશમાં અમેરિકા, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં સ્થાઈ થયા છે. જેઓ હાલ રાજકોટ ઉપરાંત જુદા-જુદા શહેરમાં અને દેશમાં છે પરંતુ જ્યારે પણ રાજકોટ આવે ત્યારે તેઓ અવશ્ય એકવાર બાલાજી હનુમાનજી દાદાના દર્શન કરવા માટે આવે જ છે.
હનુમાન જયંતી નિમિત્તે થાય છે મહાપ્રસાદનું આયોજન
દર વર્ષે હનુમાન જયંતી નિમિત્તે પોલીસ હેડ ક્વાટરમાં આવેલા બાલાજી હનુમાન મંદિરે બાલાજી મિત્ર મંડળ લાઇનબોય યુવા ગ્રુપ દ્વારા સવારથી સાંજ સધીના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં આરતી, પુજા, યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ઉપરાંત મહાપ્રસાદનું પણ આયોજન કરાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લે છે.