દહીં-દૂધ બન્નેમાં હાથ ! રોટરી ક્લબે ધંધો’ શરૂ કરી દીધો
વોર્ડ નં.૧૭માં ૨૦૦૪થી તાલીમ કેન્દ્ર શરૂ કર્યું જેના ઠરાવ પ્રમાણે લોકો પાસેથી ટોકન ફી લેવાની જોગવાઈ હતી
૫૦થી ૧૦૦ રૂપિયા ફીની જગ્યાએ દર મહિને ૩૦૦થી ૧૦૦૦ ફી વસૂલાતી હોવાનો થયો ભાંડાફોડ
બે વર્ષમાં ૩૫૦ લોકો પાસેથી ૩,૪૧,૮૦૦ ફી પેટે લીધાનો ખુલાસો થતાં જ બિલ્ડિંગનો કબજો પરત લઈ લેવાયો
રાજકોટની પ્રતિષ્ઠિત ગણાતી રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉને
ધંધો શરૂ કરી દીધો હોવાનો ભાંડાફોડ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરાયેલી તપાસમાં થતાં ચકચાર મચી જવા પામી છે. મહાપાલિકા દ્વારા `દત્તક યોજના’ અંતર્ગત રોટરી ક્લબને વોર્ડ નં.૧૭માં ગુલાબનગર કોમ્યુનિટી સેન્ટર કે જે વિશાળ સંકુલ છે તે વિનામૂલ્યે વપરાશ માટે આપવામાં આવ્યું હતું. આ સેન્ટર આપવાનો હેતુ મહિલાઓને રોજગારી મળી રહે તે માટેનો હતો.
આ માટે મહાપાલિકા દ્વારા જે તે સમયે ઠરાવ પણ કર્યો હતો કે સેન્ટરમાં સીવણ, બ્યુટીપાર્લર, મહેંદી, નેઈલ આર્ટ સહિતનો કોર્સ શીખવા માટે આવનારી મહિલા પાસેથી ટોકન ફી વસૂલવાની રહેશે અને આ ટોકન ફી ૫૦થી ૧૦૦ રૂપિયા રાખવાનું નક્કી કરાયું હતું. જો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તપાસ કરતાં ટોકન ફીની જગ્યાએ ૩૦૦થી ૧૦૦૦ રૂપિયા ફી વસૂલાતી હોવાનો ભાંડાફોડ થતાં કોમ્યુનિટી સેન્ટર રોટરી ક્લબ પાસેથી પરત લઈ લેવામાં આવ્યું છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે વોર્ડ નં.૧૭માં ૭૫૦ વાર જેટલી જગ્યા ધરાવતું આ કોમ્યુનિટી સેન્ટર ૨૦૦૪થી રોટરી ક્લબ ઑફ રાજકોટને આપવામાં આવ્યું હતું. અહીં બહેનોને લગત કામગીરી જેમાં સિવણ, બ્યુટી પાર્લર, મહેંદી, નેઈલ આર્ટ સહિતના કલાસ શીખવવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. ૨૦૦૪થી ૨૦૨૪ સુધીના ૨૦ વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા માંગણી કરવામાં આવતાં સંચાલનની મુદ્દત લંબાવાઈ હતી.
દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તપાસ કરવામાં આવતાં ફી ધારાધોરણ પ્રમાણે વસૂલવામાં આવતી ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સંસ્થા દ્વારા સીવણ ક્લાક કે જેનો સમયગાળો ત્રણ મહિનાનો હોય છે તેની પ્રતિ માસ ૩૦૦ રૂપિયા લેખે ૧૩૨ મહિલા પાસેથી ૧,૧૮,૮૦૦, બ્યુટીપાર્લરની પ્રતિ માસ ૪૦૦ લેખે ૬૮ મહિલા પાસેથી ૮૧,૬૦૦, મહેંદી ક્લાસની પ્રતિ માસ ૩૦૦ લેખે ૮૬ મહિલા પાસેથી ૭૭,૦૦ અને નેઈલ આર્ટની પ્રતિ માસ ૬૪ મહિલા પાસેથી ૭૭,૪૦૦ રૂપિયા મળી કુલ રૂા.૩,૪૧,૮૦૦ની ફી બે વર્ષ દરમિયાન લઈ લેવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું છે.
હવે આ મિલકત પરત લઈને ત્યાં વાંચનાલયન બનાવવામાં આવનાર હોવાની જાહેરાત પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરી હતી.