શેખચલ્લીના વિચારોનો અમલ કરવા અડધા કરોડનું આંધણ ન કરાય: સ્ટેન્ડિંગ કમિટી !
સર્વેશ્વર ચોકમાં મલ્ટિલેવલ પાર્કિંગ શક્ય ન હોવા છતાં અધિકારીઓએ ૪૮.૯૦ લાખના ખર્ચે ક્નસલ્ટન્ટની નિમણૂક માટે કરેલી દરખાસ્ત નામંજૂર
અહીં જ નહીં બલ્કે રાજકોટમાં ક્યાંય પણ મલ્ટિલેવલ પાર્કિંગની શક્યતા નથી-જયમીન ઠાકર
મહાપાલિકાના જાણકાર' ઈજનેરોની ફૌજ દ્વારા ઘણી વખત એવા વિકાસકાર્યની દરખાસ્ત કરવામાં આવે છે જે જોયા-વાંચ્યા બાદ તેની સરખામણી મન્નુ શેખચલ્લી સાથે થયા વગર રહેતી નથી !! આવી જ એક દરખાસ્ત સર્વેશ્વર ચોકમાં મલ્ટિલેવલ પાર્કિંગ (એક ઉપર એક પાર્કિંગ) બનાવવું શક્ય છે કે નહીં તેની ખરાઈ કરવા માટે અડધા કરોડના ખર્ચે ક્નસલ્ટન્ટ નીમવાની કરવામાં આવી હતી પરંતુ તેને કલમના એક ઝાટકે નામંજૂર કરી દેવામાં આવી છે. તંત્રવાહકો દ્વારા સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગની શક્યતાના અભ્યાસ માટે ૪૮.૯૦ લાખના ખર્ચે ક્નસલ્ટન્ટ નીમવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કરી છે.
આ અંગે ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે સર્વેશ્વર ચોકમાં ૪.૯૧ કરોડના ખર્ચે નવો વોંકળો બની રહ્યો છે ત્યારે આ પ્રકારના મલ્ટીલેવલ પાર્કિંગની કોઈ જરૂર રહેતી નથી. આ ઉપરાંત અહીં મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઉભી થઈ શકે તેવી કોઈ શક્યતા જ નથી. અહીં જ નહીં બલ્કે હાલના સંજોગોમાં તો રાજકોટના કોઈ પણ વિસ્તારમાં આ પ્રકારની સુવિધા ઉભી થઈ શકે તેવી શક્યતા જણાતી નથી એટલા માટે આ પ્રકારનો અભ્યાસ કરવા માટે ૪૮.૯૦ લાખ જેવી માતબર રકમનો ખર્ચ કરવો વ્યાજબી લાગતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની ગીચતા સતત વધી રહી છે ત્યારે સર્વેશ્વર ચોક સહિતના વિસ્તારો કે જ્યાં મલ્ટીલેવલ પાર્કિંગની શક્યતા નહીંવત્ હોવાનું જાણતા હોવા છતાં
જાણકારો’ દ્વારા આ પ્રકારની દરખાસ્ત શા માટે કરવામાં આવતી હશે તે કોઈ સમજી કે જાણી શકતું નથી. હાલ તો આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે પરંતુ ભવિષ્યમાં ફરી આવી કોઈ દરખાસ્ત ઉતાવળે મંજૂર ન થઈ જાય તેનું ધ્યાન પણ સ્ટેન્ડિંગ કમિટીએ રાખવું જ પડશે.