માવઠાનો માર: કચ્છમાં કરા, અમદાવાદ, મોરબી, અંબાજીમાં માવઠું થયું
કચ્છને સતત બીજા દિવસે કમોસમી વરસાદે ધમરોળ્યું: રાજકોટમાં અસહ્ય ગરમી સાથે તાપમાનનો પારો ફરી 40 ડિગ્રીએ પહોંચ્યો: બપોર બાદ વાદળાં છવાયા
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે રવિવારે કચ્છ, અમદાવાદ, મોરબી, અંબાજી, ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં બાફરા સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. રાજકોટમાં પણ મહત્તમ તાપમાનનો પારો એક ડિગ્રી ઉચકાઈને ફરી 40 ડિગ્રીએ પહોંચી જતાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાય ગયા હતા. જ્યારે બપોર બાદ વાદળો છવાયા હતા. રવિવારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી.
હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રવિવારે પણ રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રવિવારે સતત બીજા દિવસે કચ્છમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં ગાંધીધામ, અંજાર, ભુજ નોંધાયો હતો. તો રાપરના ગાગોદરા તથા આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને કરા પડતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઉપરાંત અંજાર, મોટી નાગલપર, ખેડોઇ, આદિપુર, ભિમાસર, રાપર, કેરા, કિડાણા, દેશલપર સહિતના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદે કચ્છ જિલ્લાને ધમરોળ્યું હતું.
કચ્છ ઉપરાંત મોરબી અને અંબાજીમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. મોરબીમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વરસાદ થયો હતો. જ્યારે અંબાજીમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે ભાણવડ પંથકના સઈ દેવરિયા, શેઢાખાઈ, જોગરા, કબરકા, ચોખંડા, જામપર, ગુંદા, મોરઝર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખબક્યો હતો.
અમદાવાદમાં પણ બપોરે વાતાવરણ ગોરંભાયું હતું કમોસમી વરસાદનું આગમન થયું હતું. અમદાવાદના એસજી હાઇ-વે, ગોતા, રાણીપ, વંદેમાતરમ સહિતના વિવિધ સ્થળોએ કમોસમી વરસાદ ખબક્યો હતો. કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો.
આ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કાળઝાળ ગરમી યથાવત રહી છે. બપોરના સમયે પડતાં આકરા તાપમાં લોકો શેકાય ગયા હતા. રાજકોટમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. સવારથી જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. જ્યારે બપોરના સમયે અસહ્ય ગરમીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. બપોરના સમયે શહેરના કાલાવાડ જેવા વાહનોથી ભરચક રહેતો રોડ પણ સૂમસામ જોવા મળ્યો હતો.