ગુજરાતીઓ વેપાર માટે ઝીમ્બાબ્વે આવે…અમે લાલજાજમ બિછાવશું
ઝીમ્બાબ્વે સરકારના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મંત્રી આર.કે.મોદી વોઈસ ઓફ ડે'ની શુભેચ્છા મુલાકાતે
બન્ને દેશો વચ્ચે ૧૪મી સદીથી વ્યાપારિક સહિતનો સંબંધ ચાલ્યો આવે છે જે હજુ સુધી અકબંધ પેટા: ઝીમ્બાબ્વેમાં સોલાર ઉદ્યોગ ક્ષેત્રે ઉજળી તક...અહીં સરકાર ૯૯ વર્ષ સુધી વિનામૂલ્યે જમીન આપશે
દરેક ભારતીય માટે મારા દરવાજા હંમેશ માટે ખુલ્લા: આફ્રિકન દેશો વેપાર માટે સુરક્ષિત નથી તે ધારણા સદંતર ખોટી
રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ઈન્ટરનેશનલ ટે્રડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેને અપેક્ષા કરતાં પણ વધુ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ ટે્રડ શોનું ઉદ્ઘાટન ઝીમ્બાબ્વે સરકારના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના મંત્રી કે જેઓ મુળ ગુજરાતી છે તેવા આર.કે.મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ટે્રડ શો દરમિયાન તેમણે
‘વોઈસ ઓફ ડે’ અખબારનું રસપૂર્વક વાંચન કર્યા બાદ તેમણે ‘વોઈસ ઓફ ડે' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી જેમાં તેમણે અલગ-અલગ મુદ્દે મુક્તમને ચર્ચા કરી હતી.
‘વોઈસ ઓફ ડે’ની મુલાકાત દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઝીમ્બાબ્વેમાં વેપારને લઈને ઘણી ઉજળી તકો છે એટલા માટે જો ગુજરાતીઓ વેપાર માટે ઝીમ્બાબ્વે આવશે તો અમે તેમના માટે લાલજાજમ બિછાવશું.
મંત્રી આર.કે.મોદીએ જણાવ્યું કે ભારત-ઝીમ્બાબ્વે વચ્ચે ૧૪મી સદીથી વેપાર સહિતનો સંબંધ ચાલ્યો આવે છે. ૧૪મી સદીમાં ઝીમ્બાબ્વેના કિંગ મોનોમોટાએ ભારત સાથે બનાવેલો સંબંધ હજુ સુધી અકબંધ છે અને અમે તેને વધુમાં વધુ આગળ વધારવા પ્રયાસરત છીએ.
પોતાના વિશે તેમણે કહ્યું કે હું મુળ રાજપીપળાનો છું પરંતુ ઝીમ્બાબ્વેમાં મારા લગ્ન થતાં હું છેલ્લા ૪૨ વર્ષથી ત્યાં જ વસવાટ કરી રહ્યો છું. વાંચકોને જાણીને આશ્ચર્ય થશે કે જ્યાંથી આર.કે.મોદી ચૂંટાઈ રહ્યા છે ત્યાં એક પણ ભારતીય મતદાતા નથી અને બધા જ આફ્રિકન મતદાર છે છતાં તેઓ જંગી બહુમતિથી તેમને ચૂંટી રહ્યા છે અને આ તેમની સળંગ બીજી ટર્મ છે.
હાલ તેઓ ઝીમ્બાબ્વેના બુલવાયોમાં સુપર માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમની ૧૪ જેટલી સુપર માર્કેટ તેમની માલિકીની છે.
ઝીમ્બાબ્વેમાં વેપારની તક અંગે પ્રકાશ પાડતાં આર.કે.મોદીએ કહ્યું કે અહીં સોલાર ઉદ્યોગ ક્ષેત્રે ઉજળી તક રહેલી છે અને તેનું કદ પણ ઘણું વિસ્તૃત છે. જો કોઈ ભારતીય કે ગુજરાતી અહીં આ ઉદ્યોગ અથવા તો કોઈ બીજો વ્યવસાય વિકસાવવા ઈચ્છુક હોય તો અમે તેને ખુલ્લા દિલથી આમંત્રણ આપીએ છીએ. જો કોઈ અહીં વ્યવસાય શરૂ કરશે તો અહીંની સરકાર વિનામૂલ્યે તેમને ૯૯ વર્ષની લીઝ ઉપર જમીન પૂરી પાડશે તેની હું બાહેંધરી આપું છું. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આફ્રિકન દેશો વેપાર માટે સુરક્ષિત નથી તે વાત નરી મીથ્યા છે. આ પ્રકારની વાતો કરનારા લોકોએ એક વખત અહીં આવીને સ્થિતિ જોવી જોઈએ પછી જ આ પ્રકારના દાવા કરવાની તસ્દી લેવી જરૂરી બની જાય છે !
હું જ છું' એ નહીં,
હું એટલા માટે છું કેમ કે આપણે છીએ’ની ભાવના
ઝીમ્બાબ્વે સરકારના મંત્રી આર.કે.મોદીએ વોઈસ ઓફ ડે'ની મુલાકાત દરમિયાન જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ રાજકારણી નાનું-મોટું પદ મળી જાય એટલે
હું જ છું એટલે બધા છે’ એવું માનવા લાગે છે પરંતુ હું વાતથી તદ્દન વિપરીત છું અને `હું એટલા માટે છું કેમ કે આપણે છીએ’ની ભાવના સાથે આગળ વધી રહ્યો છું એટલા માટે જ મને લોકોને અપાર પ્રેમ મળી રહ્યો છે.
ગજબ: મોદી સવારે મંત્રી, સાંજે વેપારી !!
જાણીને આશ્ચર્ય થશે કે આર.કે.મોદી કે જેઓ બુલવાયોમાં રહે છે તેઓ સવારના સમયે મંત્રી તરીકે કાર્યરત રહીને કામગીરી કરે છે જ્યારે સાંજે વેપારી બની જાય છે !! સવારના ભાગે તેઓ અરજદારને મળવા ઉપરાંત સરકાર લગત કામ પૂર્ણ કર્યા બાદ તેમાંથી પરવારીને સાંજે પોતાની સુપર માર્કેટ પહોંચી જાય છે અને પોતાનો વ્યવસાય સંભાળી લ્યે છે. તેમની ૧૪ સુપર માર્કેટ હોવાને કારણે તેઓ દરેક શોપની મુલાકાત લેવાનું ચૂકતા નથી.
અહીંના રાજકારણીઓએ શીખવા જેવું: કંઈ તકલીફ પડે તો લોકો પોલીસ પાસે નહીં, મોદીના ઘેર જાય છે !
આર.કે.મોદીએ જણાવ્યું કે ભલે મારા મત વિસ્તારમાં એક પણ ગુજરાતી મતદાર ન હોય પરંતુ મેં આફ્રિકન લોકોની મદદ કરવામાં ક્યારેય પાછીપાની કરી નથી અને કરવાનો પણ નથી એટલા માટે જ કોઈ પણ લોકોને તકલીફ પડે તો તેઓ પોલીસ પાસે નથી જતા બલ્કે મારા ઘેર આવી જાય છે અને હું તેમની બનતી મદદ પણ કરું જ છું. રાજકારણીની સાચી ફરજ આ જ છે.
વૈષ્ણવ વણિક આર.કે.મોદી છેલ્લા ૪૨ વર્ષથી ઝીમ્બાબ્વેમાં કરે છે વસવાટ
વૈષ્ણવ વણિક વાણિયા જ્ઞાતિના આર.કે.મોદી છેલ્લા ૪૨ વર્ષથી પરિવાર સાથે ઝીમ્બાબ્વેના બુલવાયોમાં વસવાટ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારે ત્યાં પણ ગુજરાતી વાનગીઓ જેવી કે ઢોકળા, ઉંધીયું સહિતનું બને છે પરંતુ અમારે કાચી વસ્તુ દૂર દૂરથી મંગાવવી પડતી હોવાથી દરરોજ બનાવી શકતા નથી. જો કે હું રાજકોટ આવ્યો છું એટલે મન ભરીને આ તમામ વાનગીઓનો લુત્ફ ઉઠાવીશ.
મંત્રી’ને દિલ આવડું મોટું ?
સામાન્ય રીતે સરકારમાં કોઈ મંત્રી બને એટલે તે પોતાને `વિશેષ’ સમજવા લાગતા હોય છે પરંતુ આર.કે.મોદીનું એવું નથી. તેમને સુપર મોલ છે અને તેમાંથી તેઓ પોતાનો સામાન ફેરિયાઓને આપે છે અને ફેરિયાઓ મોલની બહાર જ તેનું વેચાણ કરીને કમાણી કરે છે.
મંત્રી આર.કે.મોદીએ વોઈસ ઓફ ડે'ના દરેક વિભાગને ધ્યાનપૂર્વક નિહાળ્યો ઝીમ્બાબ્વે સરકારના મંત્રી
આર.કે.મોદીએ
વોઈસ ઓફ ડે’ની મુલાકાત લઈને અહીં ન્યુઝ પેપર કેવી રીતે તૈયાર થાય છે, કયા કયા વિભાગ કાર્યરત છે તે સહિતની વિગત મેળવી હતી સાથે સાથે દરેક ડિપાર્ટમેન્ટની રૂબરૂ મુલાકાત લઈને તેને ધ્યાનપૂર્વક નિહાળ્યા હતા. આ વેળાએ તેમની સાથે `વોઈસ ઓફ ડે’ના તંત્રી પરેશ દવે, ડીપાર્ટમેન્ટ હેડ ઓફ મીશન અને એમ્બેસેડર મીસ્ટર પીટર હોબવાની, સનરાઈઝ ઈન્ડસ્ટ્રીઝના જયેશભાઈ દવે, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઈ તેજુરા સહિતના સાથે રહ્યા હતા.