સોનીબજારમાં ધનતેરસે જ ઝવેરીઓ પર જી.એસ.ટીનું ગ્રહણ: એક સાથે 5 પેઢીમાં દરોડા
આર.કે,જે.કે.,અમન તેમજ સામા કાંઠામાં બુલિયન ટ્રેડર્સ પર તવાઈથી સોનીબજારમાં સન્નાટો: કમાણીના અવસર પર કાર્યવાહીથી ભારે રોષ
રાજકોટમાં ધનતેરસના દિવસે જ ઝવેરીઓ પર જીએસટી વિભાગે તવાઈ ઉતારતા ચકચાર મચી ગઈ છે. એક સાથે પાંચ સોની વેપારીઓની પેઢી પર સ્ટેટ જીએસટી ટીમે ધામા નાખ્યા હતા. આ વાત સોની બજારમાં વાયુવેગે પ્રસરી જતા કમાણી કરવાના આ દિવસ પર સોની વેપારીઓ ચિંતિત થઈ ગયા હતા.
દિવાળી ટાણે જ ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગ સક્રિય થયું હોય તેમ છેલ્લા એક અઠવાડિયાથી દરોડાનો દોર યથાવત રહ્યો છે. ત્રણ દિવસ પૂર્વે રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં મોટા માથાના ગણાતા ચાંદીના વેપારીઓ રાજુ ગોસ્વામી, કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશ દેથરીયા સહિતની પેઢીઓ પર જીએસટી વિભાગએ સર્ચ કર્યું ત્યારે ધનતેરસના દિવસે આ દિવસની સોની વેપારીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે તે જ ઘડીએ જીએસટી એ સોની બજાર તેમજ સામાકાંઠા વિસ્તારમાં એક સાથે પાંચ ઝવેરીઓને નિશાનમાં લેતા સોની બજારમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર સોની બજારમાં સવજીભાઈ ની શેરીમાં આવેલા જે.કે. આર.કે. તેમજ અમન જ્વેલરી પેઢી પર અમદાવાદ જીએસટીની ટીમ સોનીબજારમાં ત્રાટકી હતી. ગત વર્ષે પણ ધનતેરસના દિવસે જ ઝવેરીઓ પર જીએસટીના દરોડા પડ્યા હતા ત્યારે ફરી આ સિલસિલો આ વર્ષે પણ યથાવત રહેતા સોની બજારમાં સોપો પડી ગયો છે.
અધિકારીઓ ગ્રાહકો બનીને આવ્યા ને દરોડા પાડ્યા
સૂત્રો માંથી મળતી વિગતો અનુસાર જીએસટી વિભાગના અધિકારીઓ ગ્રાહકો બનીને આજે સોની બજારમાં આવ્યા હતા. સૌપ્રથમ આર.કે. અને ત્યારબાદ જે કે પેઢીમાં બિલોની ચકાસણી શરૂ કરી હતી ત્યારબાદ કરચોરીને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. થોડા સમય પહેલા જ જીએસટી વિભાગે તહેવારોમાં થતી કરચોરીને અટકાવવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી જેમાં ટીમ ગ્રાહક બનીને શો રૂમ કે પછી અન્ય સ્થળે તપાસ કરશે તેવો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો જે અંતર્ગત રાજકોટના 5 ઝવેરીઓને રડારમાં લેતા સોની બજારમાં સન્નાટો મચી ગયો હતો.
ગતવર્ષે ધનતેરસે એ સોનીવેપારીઓને ઝપટે લીધા હતા
ગઈ દિવાળી એ પણ ધનતેરસના દિવસે જ સોની વેપારીઓને જીએસટીએ ઝપટે લીધા હતા, અને આ વર્ષે પણ ધનતેરસ એટલે ખરીદીનો સુવર્ણ અવસર ગણાય છે, વહેલી સવારથી મોડી રાત્રે સુધી સોની બજાર ધમધમતી હોય છે ત્યારે આજના દિવસે જ જીએસટી એ પણ ખાનગી રાહે દરોડા પાડતા જ્વેલર્સમાં ભારે રોષ ફેલાય ગયો હતો. બપોરે દરોડા ની કાર્યવાહી શરૂ થતા ની સાથે જ જેવા સમાચાર સોની બજારમાં ફેલાઈ ગયા ને તુરંત જ આજુબાજુના શો રૂમ અને પેઢીઓમાં શટર પડી ગયા હતા.