કલેકટર કચેરીમાં પેટ્રોલ ચોરી કરનાર ગાર્ડની દ્વારકા બદલી
જીઆઇએસએફને ફરિયાદ મોકલાયા બાદ લેવાયા કડક પગલાં
રાજકોટ : પંદરેક દિવસ પૂર્વે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા કર્મચારીના બાઇકમાંથી જીઆઇએસએફના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પેટ્રોલની ચોરી કરવામાં આવતા આ ગંભીર બનાવ મામલે જીઆઇએસએફ વડી કચેરીને જાણ કરવામાં આવતા પેટ્રોલચોરી કરનાર ગાર્ડની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી કરી નાખવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં સીસીટીવી કેમરા ગોઠવવામાં આવ્યા હોવા છતાં હિસાબી શાખાના કર્મચારીના બાઇકમાંથી પેટ્રોલચોરી થતા છાનેખૂણે વોચ રાખવામાં આવતા ગુજરાત ઈન્ડસ્ટ્રીય સિક્યુરિટી ફોર્સનો સિક્યુરિટી ગાર્ડ જ બાઇકમાંથી પેટ્રોલ ચોરતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો, પેટ્રોલચોરીની ઘટના અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. આ બનાવ અંગે અધિક કલેક્ટરને જાણ થતા જ ગાર્ડને બોલાવી ઠપકો આપી જીઆઇએસએફના સુપરવાઈઝરને જાણ કરવાની સાથે વડી કચેરીને પણ ઘટના અંગે રિપોર્ટ કરવામાં આવતા જીઆઇએસએફના ગાર્ડની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.