સમૂહલગ્ન કૌભાંડી ચંદ્રેશ છત્રોલાની આગોતરા જામીન અરજી રદ
લોકોએ ગુમાવેલ રૂપિયાની રિકવરી કરવા પોલીસ કસ્ટડીની જરૂર રહે છે : એસ.કે વોરાની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી
સમૂહલગ્નના નામે 28 દીકરીઓ સાથે છેતરપીંડી કરી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપી ચંદ્રેશ છાત્રોલાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. ત્યારે સરકારી વકીલ એસ.કે વોરા દ્વારા લોકોએ ગુમાવેલ રૂપિયાની રિકવરી કરવા માટે પોલીસ કસ્ટડીની જરૂર હોય તે સહિતની દલીલો માન્ય રાખી અદાલતે અરજી ફગાવી દીધી છે.
આ કેસની હકિકત મુજબ, ગત તારીખ ૨૨/૨ ના રેલનગરમાં ઋષિવંશી સેવા સંઘના નેજા હેઠળ ૨૮ દીકરીઓના સર્વે જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યો હતું. લગ્નના દિવસે વહેલી સવારે આયોજન સ્થળ પર પહોંચી ગયેલા વર-વધુના પરિવારને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલ સહિત આયોજન સમિતિના એક પણ સભ્યો જોવા મળ્યા ન હતા. મોડે સુધી રાહ જોયા બાદ લગ્ન કરવા આવેલા પરિવારોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ગંધ આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જે બાદ પ્ર.નગર પોલીસે સમૂહલગ્નમાં નોંધણી કરાવનાર એક દીકરીના પિતા કાનજીભાઈ દેવશીભાઈ ટાટમીયા (ઉ.વ.54, રહે. શાપર વેરાવળ)ને ફરિયાદી બનાવી આરોપી ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહીલ, દિપક હિરાણી, હાર્દિક શીશાંગીયા, મનીષ વિઠલાપરા, દિલીપ વરસડા સામે ગુનો નોધી પાંચ આરોપીઓને દબોચી લીધા હતા.
જોકે મુખ્ય આરોપી ગણાતો ચંદ્રેશ હજુ પોલીસના હાથે ઝડપાયો ન હોય ત્યારે તેણે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી.આ અરજી ચાલવા પર આવતા સરકાર પક્ષે એસ.કે.વોરા દ્વારા જામીન અરજીનો વિરોધ કરી દલીલો કરી હતી કે, લોકોએ ગુમાવેલ ૮.૪૦ લાખ જેટલી રકમ મુખ્ય આરોપી પાસે હોય જેથી આ રકમની રિકવરી કરવામાં માટે આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર જણાય છે. બંને પક્ષકારોની વિગતવાર દલીલો અને રજૂઆતોને અંતે સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયેલા હતા.