ગ્રાન્ટેડ શાળાઓની ફાયર સેફટી માટે ગ્રાન્ટ મંગાશે : કલેકટર
રાજકોટ શહેર જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત
રાજકોટ : રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરની 15 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં ફાયર સેફટી સહિતના પ્રશ્ને સીલ મારવાની કાર્યવાહી મામલે રાજકોટ શહેર-જિલ્લા શૈક્ષણિક સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવેલ રજુઆત બાદ આ મામલે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મારફતે જરૂરી ગ્રાન્ટ સરકાર પાસેથી માંગવામાં આવશે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
રાજકોટ શહેર જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ શાળા બિલ્ડીંગોમાં બીયુપી અને ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં 15 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં પણ અલગ અલગ કારણોસર નોટીસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી છે. આ ગ્રાન્ટેડ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા માટે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી મારફત સરકાર પાસે ગ્રાન્ટ માંગી આવી શાળાઓમાં ફાયર સેફટીની સુવિધાથી સજજ કરાશે. આ મુદ્દો આવતીકાલે કલેકટર કચેરી ખાતે યોજાનાર સંકલનની બેઠકમાં પણ લેવામાં આવેલ હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટીતંત્ર સંચાલિત ઈશ્વરીયા પાર્કમાં હાલ તળાવમાં પાણી ન હોવાથી બોટીંગની સુવિધા બંધ છે ત્યારે સરકારની નવી ગાઈડલાઈન મુજબ યાંત્રિક ચકાસણી કર્યા બાદ જ આ બોટીંગની સુવિધા શરૂ કરવામાં આવશે. બોટીંગની ચકાસણી માટે યાંત્રિક વિભાગને પણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું અને મામલતદારને ચેકીંગ કરવાનો સૂચના આપવામાં આવી હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
