કરાર આધારિત સરકારી તબીબો પર વરસતી સરકાર: પગારમાં રૂા.૩૫,૦૦૦નો વધારો
માઈનર-મેજર સર્જરી માટે ૩૦૦થી ૨૦૦૦ સુધીનું વધારાનું ચૂકવણું કરાશે: રાજકોટના ૨૫,૦૦૦થી વધુ તબીબોને થશે ફાયદો
કરાર આધારિત તબીબો હવે ખાનગી પ્રેક્ટિસ નહીં કરી શકે
રાજકોટ સહિત આખા રાજ્યમાં મેઘકૃપા થઈ રહી છે ત્યારે કરાર આધારિત સરકારી તબીબો ઉપર સરકારે વધારાની વર્ષા કરીને પગારમાં ૩૫,૦૦૦ રૂપિયાનો વધારો કરતાં તબીબોમાં ખુશીની લહેરખી પ્રસરી જવા પામી હતી. પગારમાં વધારો ઉપરાંત માઈનર-મેજર સર્જરી કરનારા તબીબોને રૂા.૩૦૦થી લઈને ૨૦૦૦ સુધીનું વધારાનું ચૂકવણું કરવાનું એલાન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયનો રાજકોટ શહેર-જિલ્લાના ૨૫,૦૦૦થી વધુ સરકારી તબીબોને મળનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (સીએચસી), સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આધારિત નિષ્ણાત તબીબોને ધ્યાનમાં રાખી એક મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. કરાર આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવામાં આવી છે સાથે સાથે પગારમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કરાર આધારિત તબીને દર મહિને ૯૫,૦૦૦ રૂપિયા પગાર મળતો હતો જેમાં ૩૫,૦૦૦નો વધારોકરી ૧.૩૦ લાખ રૂપિયા કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સર્જરી સાથે સંકળાયેલા નિષ્ણાત તબીબોને પ્રતિ મહિને અપાતાં વેતન ઉપરાંત મેજર અને માઈનર સર્જરી માટે ૩૦૦થી ૨,૦૦૦ રૂપિયાનું ઈન્સેન્ટીવ પણ ચૂકવાશે. આ સિવાય કરાર આધારિત એનેસ્થેટિસ્ટ તબીબોને પ્રોત્સાહન રકમના ૫૦% રકમ પ્રતિ સર્જરી આપવામાં આવશે. સર્જિકલ તજજ્ઞો સિવાયના અન્ય નિષ્ણાત તબીબોને પીએમજયના હાલના ધારા-ધોરણો મુજબ ઈન્સેન્ટીવ અપાશે.
રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઈએનટીને લગત વિવિધ મેજર સર્જરી માટે રૂા.૨૦૦૦ અને રૂા.૧૨૦ તેમજ માઈનર સર્જરી માટે ૬૦૦ અને રૂા.૩૦૦ પ્રતિ સર્જરી ચૂકવવામાં આવશે.