રેલનગરમાં 7.50 કરોડની સરકારી જમીન ખુલ્લી થઇ
સરવૈયા ચોકમાં 1500 ચોરસ મીટર જમીન ઉપરથી ખેતલા આપા ટી, પાન અને બાલાજી સીઝન સ્ટોરનું દબાણ દૂર કરાયું
રાજકોટ : રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સરકારી જમીન ઉપર ખડકાઈ ગયેલ ખેતલા આપા ટી-સ્ટોલ, ખેતલા આપા પાન અને બાલાજી સીઝન સ્ટોરના દબાણો હટાવી સીટી મામલતદાર તંત્રે અંદાજે રૂપિયા 7.50 કરોડની કિંમતની 1500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારમાં રાજકોટ રેવન્યુ સર્વે નંબર 609 પૈકી ટી.પી.સ્કીમ નંબર 23 ના એફ.પી. નંબર 34/2ની 1500 ચોરસ મીટર સરકારી જમીન ઉપર ખેતલાઆપા ટી સ્ટોલ, ખેતલાઆપા પાન સેન્ટર નામની પાકી દુકાન અને ચા માટે પાકું બાંધકામ તેમજ બાલાજી સીઝન સ્ટોર નામે ચાલતા ટેમ્પરરી સ્ટ્રક્ચરનુ દબાણ કરવામાં આવતા સીટી તલાટી ગ્રુપ 11 ધારાબેન વ્યાસ અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા ગત તા.16/11/2024 ના રોજ બાંધકામ દૂર કરવાની નોટિસ આપવામાં આવેલ હતી.
બીજી તરફ મામલતદાર તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર ખડકાઈ ગયેલ દબાણ દૂર કરવા માટે નોટિસ આપવા છતાં દબાણ કરનારા તત્વો દ્વારા બાંધકામ દૂર ન કરવામાં આવતા મંગળવારે સીટી મામલતદાર એસ.જે. ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, તલાટી ગ્રુપ-11 ધારાબેન વ્યાસ દ્વારા પ્ર.નગર પીએસઆઇ જાનકીબા જાડેજાની હાજરીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અંદાજે રૂપિયા 7.50 કરોડની સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરાવ્યું હતું.