રાજકોટમાં પાણીના પાઉચ વેચતાં ૧૫ વર્ષના ટેણિયા’ને છૂટક કામની નોકરી મળી’ને આજે બની ગયો ‘હોટડોગ કિંગ’
- `હોટડોગ’નો સૌથી પહેલો ટેસ્ટ કોણે કરાવ્યો…એવું પૂછો એટલે ફટાક દઈને કહેશે કે…પસાભાઈએ
- ૩૮ વર્ષ પહેલાં રેસકોર્સના ગેઈટ પાસે સાયકલમાં હોટડોગ વેચતાં પસાભાઈ (પરસોત્તમ આહુજા)ને ત્યાં ૫ કલાક માટે નોકરી મેળવનાર અજય છેલ્લા ૮ વર્ષથી સોમથી શનિ દરરોજ ૨૫૦તો રવિવારે ૫૦૦ લોકો (કદાચ વધારે પણ હોઈ શકે)ને હોટડોગ ખવડાવે છે
હોટડોગ…આ શબ્દ સંભળાય એટલે ૧ વર્ષના બાળકથી લઈ મોટેરા સુધીના મોઢામાં પાણી આવી જાય, આવી જાય અને આવી જ જાય…! દર શનિવારે વાંચકોના મોઢામાં પાણી લાવી દેવાનું કાર્ય કરતું વૉઈસ ઑફ ડે' આજે હોટડોગની વાનગી પ્રસ્તુત કરી રહ્યું છે. આ વાનગી હવે રાજકોટ માટે સામાન્ય બની ચૂકી છે અને શેરીએ-ગલીએ તેનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ લોકોને એક વખતપસાભાઈના હોટડોગ’ એમ કહેવામાં આવે એટલે તેઓ ફટાક દઈને કહી જ દેશે કે અમે ફલાણી વાર, અમે ઢીકણી વાર પસાભાઈના હોટડોગ દાબ્યા છે !! આવું એટલા માટે કેમ કે રાજકોટને હોટડોગનો સૌથી પહેલો ટેસ્ટ તેમણે જ કરાવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે પસાભાઈ આ ધંધાથી દૂર થઈ ગયા છે અને તેમની વિરાસત' તેમને ત્યાં છૂટક કામ કરનારા અજયે સંભાળી લીધી છે. અજયની મહેનત થકી જ આજે તેહોટડોગ કિંગ’ બની ગયો છે !

અજય લક્ષ્મણદાસ ચંચલાણીએ `વૉઈસ ઑફ ડે’ને જણાવ્યું કે હું ૧૫ વર્ષનો હતો ત્યારે મારી પાસે કઈ કામ ન હોવાથી હું પસાભાઈ એટલે કે પરસોત્તમભાઈ આહુજા કે જેઓ રેસકોર્સના ગેઈટની બહાર સાયકલ પર હોટડોગ વેચી રહ્યા હતા તેમને ત્યાં દૈનિક ૧૦૦ રૂપિયાના વેતન પર નોકરીએ લાગ્યો હતો. થોડા વર્ષ સુધી મેં નોકરી કરી હતી. હું સાંજે પાંચ વાગ્યે આવી જતો અને રાત્રે ૧૦ વાગ્યા સુધી નોકરી કર્યા બાદ પાણીના પાઉચ વેચવા નીકળી જતો હતો. આ પછી પસાભાઈએ હોટડોગના ધંધાથી અંતર બનાવી લેતાં મેં આ ધંધો સંભાળી લીધો હતો. આજે હું ૨૩ વર્ષનો થઈ ગયો છું અને અવિરતપણે આ વ્યવસાય ચલાવી રહ્યો છું.

તેણે કહ્યું કે હું મુખ્યત્વે બે જ પ્રકારના હોટડોગ વેચી રહ્યો છું જેમાં સાદો અને ચીઝવાળો હોટડોગ સામેલ છે. પસાભાઈના સમયમાં હોટડોગની કિંમત ૨૦ રૂપિયા હતી જે આજે ૩૦એ પહોંચી ગઈ છે છતાં તેને ખાવાનો ગ્રાફ જરા પણ ઘટ્યો નથી. સોમથી શનિવાર સુધીમાં હું રેસકોર્સના ગેઈટમાં જ આવેલી કેબિનમાં ૨૦૦થી ૨૫૦ હોટડોગ વેચી લઉં છું અને રવિવારે આ સંખ્યા ૫૦૦એ પહોંચી જાય છે. તેણે હસતાં હસતાં કહ્યું કે જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે ભાડાના મકાનમાં રહેતો હતો જ્યારે અત્યારે જંક્શનમાં પોતાનું મકાન બનાવી લીધું છે.

શહેરમાં અત્યારે ૧૫૦ જગ્યાએ હોટડોગનું `બંબાટ’ વેચાણ
અજય ચંચલાણીએ કહ્યું કે પસાભાઈ બાદ શહેરમાં ઠેર-ઠેર હોટડોગનું વેચાણ શરૂ થયું છે અત્યારે અંદાજિત ૧૦૦થી ૧૫૦ જગ્યાએ હોટડોગનું બંબાટ વેચાણ થઈ રહ્યું છે. અત્યારે શહેરમાં ૨૦ પ્રકારના હોટડોગ વેચાઈ રહ્યા છે જેમાં અલગ-અલગ પ્રકારની વેરાયટી સામેલ છે. જો કે વધુ પડતાં લોકો સાદો હોટડોગ ખાવાનું જ પસંદ કરે છે.
હોટડોગમાં `ટીકી સિસ્ટમ’ ચલણમાં પરંતુ અમુક લોકો મસાલાના જ આગ્રહી
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હોટડોગમાં વેરિએશન આવતું ગયું હતું અને અત્યારે ટીકી સિસ્ટમ ચાલી રહી છે મતલબ કે ઘણા બધા વેપારીઓ આલુ ટીકી હોટડોગમાં મીક્સ કરે છે પરંતુ મારા સહિત ઘણાખરા વેપારીઓ એવા પણ છે જેઓ બટેટાનો મસાલો જ વાપરવાનો આગ્રહ રાખતા હોવાથી સાંજ પડે એટલે રેસકોર્સ પાસે હોટડોગ ખાવા માટે લોકોના ટોળાં જામે છે.
શરૂઆતમાં હોટડોગનો મતલબ કંઇક અલગ જ નિકળતો !
રાજકોટમાં આજથી ૩૮ વર્ષ પહેલા જયારે હોટડોગ જેવી કોઇ વાનગી હોય છે તેવુ લોકો સાંભળતા ત્યારે તેનો અલગ જ મતલબ પણ કાઢી લેતા હતા. સામાન્ય રીતે હોટ (ગરમ) અને ડોગ (કુતરો) જેવો મતલબ નિકળતો હોવાથી લોકો હોટડોગનું નામ આવે એટલે કયાંક `ગરમ કુતરા’ની તો વાત નથી થઇ રહી ને તેવુ પુછયા વગર રહી શકતા ન હતા. જો કે જેમ જેમ હોટડોગ પ્રચલીત થતો ગયો તેમ તેમ તેને લઇને લોકોના મનમાં ભ્રમણા દૂર થવા લાગી હતી અને હોટડોગ જુએ એટલે તેના પર તુટી પડતા હતા.
કાબિલેદાદ હોટડોગ કેવી રીતે બનાવી શકાય ?
અજય ચંચલાણીએ કહ્યું કે જો તમારે દાઢે વળગે તેવો હોટડોગ બનાવવો હોય તો તેમાં વધારાની વસ્તુઓ મીક્સ ન કરવી જોઈએ. આ વાનગી એવી છે જે સાદી હોય તો જ મજા આવે મતલબ કે તેમાં ઉમદા પ્રકારની લીલી ચટણી, કલર વગરનો સોસ, ડીસાના મોળા બટેટા, ઘેર બનાવેલી સીંગ તેમજ માપસર મરચું-મીઠું સહિતનો મસાલાનો ઉપયોગ કરવામાં આવે એટલે એક નહીં બલ્કે બે-ત્રણ ખાય જાવ તેવો હોટડોગ તૈયાર થઈ જાય છે. હું આ જ વાતને વળગેલો રહું છું એટલા માટે હજુ સુધી અમારો સ્વાદ અકબંધ છે.
