માલ વિતરણ નહીં જ થાય : સસ્તા અનાજના વેપારીઓ અડગ
કમિશન સહિતના મુદ્દે આંદોલન છેડનાર સસ્તા અનાજના વિક્રેતાઓ ઉપર દબાણ લાવવા પ્રયાસ : વેપારીઓએ તાલુકા મથકે આવેદન આપ્યા
રાજકોટ : રાજકોટ સહીત રાજ્યના 17 હજાર જેટલા સસ્તા અનાજના વેપારીઓ દ્વારા મિનિમમ 20 હજાર કમિશન સહિતના મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી શુક્રવારે ચોથા દિવસે પણ વિતરણ બંધ રાખ્યું હતું, બીજી તરફ જાહેર વિતરણ વ્યવસ્થા ભાંગી પડતા શુક્રવારે સાંજે પુરવઠા વિભાગે તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજી વેપારીઓ માલ ઉપાડે અને વિતરણ શરૂ કરે તે માટે પગલાં ભરવા સૂચના આપી હતી, જો કે, સસ્તા અનાજના વેપારીઓએ પોતાની માંગ ઉપર અડગ હોવાનું જણાવી હડતાલ યથાવત રાખવાનું જાહેર કરી તાલુકા મથકોએ આવેદનપત્ર પાઠવ્યા હતા.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજના વેપારીઓ માટે 97 ટકા વિતરણ થાય તો જ 20 હજાર કમિશન આપવાની જોગવાઈ હટાવવા લાંબા સમયથી માંગ કરવાં આવી હોવા છતાં પુરવઠા વિભાગે કોઈ નિર્ણય ન કરતા તા.1 ઓક્ટોબરથી પરમીટ જનરેટ નહીં કરવાની સાથે માલ વિતરણ નહીં કરવાની જાહેરાત કરી માલ ઘટ મજરે આપવા માંગ કરી હડતાળ શરૂ કરતા જ ગઈકાલે પુરવઠા નિયામક અને પુરવઠા સચિવ દ્વારા ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના હોદેદારો સાથે એક, બે નહીં પરંતુ ત્રણ ત્રણ બેઠક કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હડતાલ યથાવત રહી છે.
બીજી તરફ હડતાળના ચોથા દિવસે ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના હોદેદારોએ રાજકોટ ફેરપ્રાઈઝ એસો.પ્રમુખ હિતુભા જાડેજાની આગેવાનીમાં રાજકોટ તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રાજ્યના સંગઠનના નિર્ણય મુજબ રાજકોટના તમામ વેપારીઓ લડતમાં સાથે હોવાનું અને જ્યાં સુધી સરકાર માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી પરમીટ નહીં ઉપાડી રેશનકાર્ડ ધારકોને માલ વિતરણ નહીં કરે તેમ સ્પષ્ટ કર્યું હતું.
દરમિયાન તહેવારો સમયે જ સસ્તા અનાજના વેપારીઓએ હડતાલ છેડી હોય શુક્રવારે બપોર બાદ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓ તેમજ પુરવઠા ગોડાઉનના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી તમામ જિલ્લામાં વહેલી તકે વિતરણ વ્યવસ્થા ચાલુ થાય તે માટે જરૂરી પગલાં ભરવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.