ગીરીશ ભીમાણીને વી.સી. પદેથી હટાવાયા : ઇન્ચાર્જ વી.સી. તરીકે નીલામ્બરીબેન દવેની નિમણુંક
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલર ડો. ગીરીશ ભીમાણીને આ પદ પરથી તાત્કાલિક અસરથી હટાવાયા છે અને તેમના સ્થાને ઇન્ચાર્જ વી.સી. તરીકે નીલામ્બરીબેન દવેની નિમણુક કરવામાં આવી છે. ડો. નીલામ્બરીબેન દવે હોમ સાયંસ ફેકલ્ટીનાં ડીન તરીકે ફરજ બજાવી રહ્યા છે.
શિક્ષણ વિભાગે આજે સાંજે એક જાહેરનામું બહાર પાડીને ડો. ગીરીશ ભીમાણીને વાઈસ ચાન્સેલર પદ પરથી તાત્કાલિક અસરથી છુટા કરવા આદેશ આપ્યો હતો. ગીરીશ ભીમાણી સાયંસ ફેકલ્ટીનાં ડીન હતા અને તેમને ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલર બનાવાયા હતા.
તેમના કાર્યકાળ દરમિયાન અનેક પ્રકારના વિવાદો થયા હતા અને તેમણે કેટલાક નિર્ણયો લેવામાં આપખુદશાહી વાપરી હોવાનો આરોપ પણ મુકાયો હતો. આ સિવાય પણ તેઓ અનેક વિવાદના કેન્દ્રમાં રહ્યા હતા.
જો કે રાજ્યમાં ગુજરાત પબ્લિક યુનિવર્સીટી એકટ લાગુ થઇ જતા હવે સરકારે ફેરબદલ કરવાનો નિર્ણય લીધો છે અને સૌથી પહેલા ગીરીશ ભીમાણીને પદ પરથી દુર કરતો હુકમ કર્યો છે.
હવે ડો. નીલામ્બરીબેન દવેને ઇન્ચાર્જ વી.સી. બનાવાયા છે અને તેઓ સરકાર નવો આદેશ ન કરે ત્યાં સુધી ચાર્જમાં રહેશે તેમ શિક્ષણ વિભાગે જણાવ્યું છે. ડો. નીલામ્બરીબેન દવે આ પહેલા પણ ઇન્ચાર્જ વી.સી. રહી ચુક્યા છે.