જીઈબી એન્જિ. એસો દ્વારા તા.28મીએ અડાલજ ખાતે સી.એમ.નો સન્માન સમારોહ
રાજ્ય સરકાર તરફથી વીજ કર્મચારીઓના હિતમાં એરિયર્સ, બદલીનો લાભ સહિતના નિર્ણયના પગલે કાર્યક્રમનું આયોજન
ગુજરાત રાજ્યની ઉર્જા વિભાગની સાતેય કંપનીમાં માન્યતા ધરાવતા તેમજ અખિલ ગુજરાત કામદાર સંઘના નેતૃત્વમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ: ઉર્જા મંત્રીનું પણ કરાશે સન્માન
આગામી તા.28 ઓક્ટોબરના રોજ શનિવારે અડાલજ ખાતે ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગની સાતેય કંપનીઓમાં માન્યતા ધરાવતા અખિલ ગુજરાત કામદાર સંઘના 35 હજારથી વધુ તેમજ જીઈબી એન્જિનિયરિંગ એસોસિએશનના 6 હજાર સભ્યો દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી કનુ દેસાઈનું અડાલજ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવશે.
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ તરફથી ઉર્જા કંપનીના કર્મચારીઓને એલાઉન્સનું એરિયર્સ, બદલીનો લાભ તેમજ નવી ભરતી સહિતના અધિકારો, કર્મચારીઓના હિતમાં લેવાયેલા નિર્ણયના પગલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીનું સન્માન કરવાનો જીબિયા દ્વારા નિર્ણય લેવાયો છે. તા.28ના રોજ શનિવારે અદાલજમાં આવેલા દાદા ભગવાન ત્રિ-મંદિર ખાતે ઋણ સ્વીકાર અને અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમ જીઈબી એન્જિ.એસો.ના સેક્રટરી જનરલ બી. એમ. શાહ તેમજ બળદેવ એસ. પટેલ(અખિલ ગુજરાત વિધ્યુત કામદાર સંઘ ઉંજા) દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં લેવામાં આવેલા નિર્ણયો તેમજ ઉર્જા ક્ષેત્રના કર્મચારીઓ અને અધિકારીઓના હિતમાં લેવામાં આવેલા નિર્ણયથી જીબિયા તેમજ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના કર્મચારીઓમાં આનંદની લાગણી તેમજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.