વેદમાતા “ગાયત્રી ધામ મંદિર”માં હંસ અને કમળ પર બિરાજે છે “માં ગાયત્રી”
કાલાવાડ રોડ પર એ. જી ચોક નજીક આવેલા મંદિરમાં પ્રવેશતા જ થાય છે શાંતિનો અનુભવ
રાજકોટમાં કાલાવાડ રોડ પર એ.જી ચોક નજીક સુંદર “વેદમાતા ગાયત્રી ધામ” મંદિર આવેલું છે. જ્યાં મંદિરના પટાંગણમાં ગાયત્રી માતાજીના મંદિર ઉપરાંત ગણપતિજી, મહાદેવજી અને ત્રિપુરા સુંદરી લલિતા અંબિકા માતાજીનું મંદિર આવેલું છે. વેદમાતા ગાયત્રી ધામ મંદિરની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. નિરંજની આત્મયોગીજી દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ મંદિરમાં પ્રવેશતા જ પવિત્રતા અને શાંતિની અનુભૂતિ થાય છે. વિશાળ પટાંગણ ધરાવતા આ મંદિરમાં સિદ્ધિવિનાયક ગણેશ, વિશ્વેશ હનુમાનજી, પરશુરામજી, શુક્લેશ્વર મહાદેવ, માં અંબાજીનું મંદિર પણ આવેલું છે. જ્યાં દરરોજ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. વેદમાતા ગાયત્રી ધામ ટ્રસ્ટ સંચાલિત આ મંદિરની વિશેષતા જણાવતા મંદિરના પૂજારી યજ્ઞપ્રકાશ જાનીએ જણાવ્યું હતું કે, મંદિરમાં માતાજીની જે મૂર્તિ છે તેમાં માતાજી હંસ અને કમાલ ઉપર બિરાજે છે. આવી મૂર્તિ ભાગ્યે જ અન્ય મંદિરમાં જોવા મળતી હોય છે. ઉપરાંત મંદિરમાં ચાર વેદ યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદ પણ બિરાજમાન છે. મંદિરમાં દરરોજ સવાર સાંજે આરતી કરવામાં આવે છે જ્યારે સવારના સમયે ગાયત્રી મંત્રની એક માળાનો હવન કરવામાં આવે છે. જ્યારે વર્ષની ચારે નવરાત્રી દરમિયાન પંચકુંડી હવનનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં નવરાત્રી દરમિયાન ગાયત્રી ઉપાસકો મંદિરમાં જ શાંતિથી માળા કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
આ ઉપરાંત અહી મંદિરના પટાંગણમાં ત્રિપુર સુંદરી લલિતા અંબિકા માતાજીનું મંદિર પણ આવેલું છે. જ્યાં દર મહિનાની સુદ પૂનમના દિવસે શ્રી યંત્રની સોળષોપચાર પુજા અને લલિતા સહસ્ત્રનામ પાઠથી હવન કરવામાં આવે છે. અહી અંબિકા માતાજીની મૂર્તિ સાથે અષ્ટ સિદ્ધિ પણ બિરાજમાન છે. જેમાં અણીમા સિદ્ધિ, મહિમા સિદ્ધિ, લઘિમા સિદ્ધિ, ગરિમા સિદ્ધિ, ઇશિત્વ સિદ્ધિ, પ્રાકામ્ય સિદ્ધિ, પ્રાપ્તિ સિદ્ધિ અને વશિત્વ સિદ્ધિ સામેલ છે.જ્યારે ગણપતિ મંદિરમાં વૈસાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ નિમિત્તે દૂધ અને જલાભિષેક કરવામાં આવે છે. તેમજ 21 પ્રકરાની વનસ્પતિના નામ લઈ વનસ્પતિના પાન ચડાવવામા આવે છે. ઉપરાંત 11 લાડુનો હવન કરવામાં આવે છે. મહત્વનું છે કે પહેલા ગણપતિ મંદિરની સ્થાપન કરવામાં વિ હતી. જે વર્ષ 1980માં કરવામાં આવી હતી.
ગાયત્રી મંદિરમાં 43 વર્ષથી પ્રજ્વલિત છે અખંડ જ્યોત
કાલાવાડ રોડ પર આવેલા વેદમાતા ગાયત્રી ધામ મંદિરમાં વર્ષ 1980થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. મહત્વનું છે કે, 1980 એટલે કે છેલ્લા 43 વર્ષથી અહી ઘી અને તેલના તેલની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. મંદિરમાં દરરજો અનેક ભક્તો દર્શનાર્થે આવે છે ત્યારે આ અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે.