ગાંધી વિચાર શાશ્વત અને અનંત છે: ભાગ્યેશ વોરા
એક પુસ્તક વાંચ્યું અને ગાંધીજીના હિંસક ચાહક બન્યા: સમાજસેવા-ગાંધી વિચારનો પ્રચાર-પ્રસાર કરવા શરૂ કર્યું ફ્રીડમ ગ્રુપ
રાષ્ટ્રપિતા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી દેશ ઉપરાંત વિશ્વભરમાં કરવામાં આવે છે. ગાંધીજીએ લોકોને સત્ય અને અહિંસાના પાઠ ભણાવ્યા હતા. આજે ગાંધીજી આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો અનેક લોકોમાં જીવંત છે. રાજકોટના આવા જ એક ગાંધીપ્રેમી ભાગ્યેશભાઈ વોરા વર્ષ 1998થી ફ્રીડમ ગ્રુપ ચલાવે છે અને આ ગ્રુપ થકી તેઓ રાષ્ટ્રસેવા અને સમજસેવાના કર્યો સાથે ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
ગાંધીજીના વિચારો બાળકો સુધી પહોંચાડવાનું કાર્ય કરતાં ભાગ્યેશભાઈ વોરાનું નામ રાજકોટમાં ખૂબ જાણીતું છે. તેઓ માતા, ત્રણ ભાઈ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે અને સ્કૂલ યુનિફોર્મના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગાંધીજીના વિચારોનો પ્રચાર કરવા માટે ક્યાંથી પ્રેરણા મળી તે અંગે “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં ગાંધી વિચારક ભાગ્યેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે, પહેલા તેઓ ગાંધીજી વિશે વધુ જાણતા ન હતા પરંતુ જ્યારે એમણે ગાંધીજીનું એક પુસ્તક વાંચ્યું ત્યારે એમના જીવનમાં અલગ પ્રભાવ પડ્યો. એ પુસ્તક હતું ફ્રીડમ એટ મિડ નાઈટ. આ પુસ્તક વાંચ્યા બાદ તેઓ ગાંધીજીના હિંસક ચાહક બન્યા.
હાલ ફ્રીડમ ગ્રુપમાં 100 સભ્ય છે. આ ગ્રુપ દ્વારા તેઓ ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તેઓ એક મિશન ચલાવી રહ્યા છે જેમાં બાળકો સુધી ગાંધીમૂલ્યોને પહોંચાડી રહ્યા છે. વર્ષ 2005થી તેઓ 2, ઓકટોબર ગાંધી જ્યંતિના દિવસે ગાંધી વિચાર યાત્રા રેલી કાઢે છે. જેમાં ગાંધીજીના જીવન આધારિત જીવંત ફ્લોટસ સાથે શહેરના માર્ગો પર રેલી નીકળે છે.
આ ઉપરાંત પોતાના ફ્રીડમ ગ્રુપ દ્વારા મેડિકલ-શિક્ષણ ક્ષેત્રે ગાંધી વિચારોનો પ્રચાર પ્રસાર કરે છે. જ્યારે જરૂરિયાત મંદ દર્દીઓને નિ:શુલ્ક મેડિકલના સાધનો આપે છે. વર્ષમાં પાંચવાર કિડના દર્દીઓને ડાયાલિસીસ કરાવી આપે છે. આ ઉપરાંત દર વર્ષે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે. જ્યારે કન્યા કેળવણીને પ્રાધન્ય આપવા માટે બે દિકરીઓને દતક લેવામાં આવે છે.
મોઢ વણિક મહાજન જ્ઞાતિની 150 વર્ષ જૂની સંસ્થામાં તેઓ માત્ર 36 વર્ષની ઉંમરમાં વર્ષ 2016માં સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા. આ ઉપરાંત તેઓ સહકારી ક્ષેત્રમાં આપના બજારમાં ડાયરેક્ટર તરીકે સેવ આપે છે. જ્યારે રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં શાખા વિકાસ સમિતિમાં સહ કનવીર છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો શીશુકાળથી ચુસ્ત સ્વયમ સેવક રહ્યા છે. સાથોસાથ વિદ્યાર્થી પરિષદ હોય કે ભાજપના વોર્ડ મહામંત્રીથી લઇ શહેર સાંસ્કૃતિક સેલના સંયોજક તરીકેની જવાબદારી પણ નિભાવી છે પોતાનો મત વ્યક્ત કરતાં એમણે કહ્યું હતું કે, ગાંધી વિચાર હંમેશા પ્રસ્તુત હતો, છે અને રહેશે. કોઈપણ સમસ્યાનો ઉકેલ ગાંધી વિચારમાંથી મળી શકે છે. ગાંધી વિચાર શાશ્વત અને અનંત છે.
ભાગ્યેશભાઈને મળ્યા છે અનેક એવોર્ડ
ભાગ્યેશભાઈ વોરાની સમાજસેવાને ધ્યાનમાં રાખીને એમને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા એવોર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2013માં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મેયર એવોર્ડ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સમાજ સેવા માટે 2021માં ગાર્ડી એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત અનટોલ્ડ સ્ટોરી એવોર્ડ પણ મળ્યો છે.
મારો ડ્રીમ પ્રોજેક્ટ: ભાગ્યેશભાઈ વોરા
ભાગ્યેશભાઈએ ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે, મારુ વર્ષોથી સ્વપ્ન હતું કે, કોઈપણ જ્ઞાતિના સામાન્ય પરિવારના દીકરા-દિકરોના લગ્ન પણ ધામધૂમ પૂર્વક પાર્ટી પ્લોટમાં થાય. આજે 4 વર્ષથી ટીમની મહેનત બાદ આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ન્યારી રોડ પર 4 હજાર વાર જગ્યામાં યુવીએમસી પાર્ટી પ્લોટ બનીને તૈયાર છે અને આગામી તા.31 માર્ચે તેનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે. જ્યાં સામાન્ય ભાડું ચૂકવીને જ્ઞાતિજન અને અન્ય જ્ઞાતિના લોકો પણ પોતાના દીકરા-દિકરીઓના લગ્ન ધામધૂમ પૂર્વક કરી શકશે.