૨ ઑક્ટોબરે ગાંધી મ્યુઝિયમમાં ૧૨ વર્ષથી નીચેના બાળકોને મફત પ્રવેશ
સાંજે ગાંધી ધૂન સહિતના કાર્યક્રમોનું કરાશે આયોજન: બાળકોને લાભ લેવા મનપાનો અનુરોધ
આગામી તા.૨ ઑક્ટોબરને ગાંધી જયંતી નિમિત્તે દેશ આખામાં ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પાંચ વર્ષ પહેલાં નિર્માણ પામેલા ગાંધી મ્યુઝિયમમાં ૨ ઑક્ટોબરે ૧૨ વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાનો નિર્ણય મહાપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સાંજે ગાંધી ધૂન સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે બાળકો આ કાર્યક્રમમાં ખાસ સામેલ થાય તેવો અનુરોધ પણ તંત્ર દ્વારા કરાયો છે.
ગાંધી મ્યુઝિયમનો પ્રારંભ ૧-૧૦-૨૦૧૮ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારથી લઈ આજ સુધીમાં મ્યુઝિયમની ૭૯૧૫૮ બાળકો, ૧,૯૫,૪૭૪ મોટેરાઓ, ૧૨૯૯ વિદેશી નાગરિકો સહિત કુલ ૨,૭૫,૯૩૧ લોકો મ્યુઝિયમ નિહાળી ચૂક્યા છે. અહીં વિવિધ આકર્ષરો વિકસાવાયા છે જેમાં ગાઈડની સુવિધા, એક્ઝિબિશન હોલ, રેસ્ટોરન્ટ, ક્લોકરૂમ સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરરોજ સાંજે ૭ વાગ્યે ગાંધીજીના જીવનના આદર્શ દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ પ્રદર્શિત કરવામાં આવે છે. દરમિયાન ગાંધી જયંતી નિમિત્તે સાંજે ૫:૪૫ વાગ્યે ગાંધી ધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો અને મોટેરાઓ ખાસ ઉપસ્થિત રહેવા અપીલ પણ કરાઈ છે.