મફત ઠંડક’ કોઈ નથી દંડક’ સરકારી થાંભલે `ખાનગી’ કમાણી !!
રંગીલા રાજકોટના દરેક વિસ્તારમાં PGVCLના થાંભલે જાહેરાતોના બોર્ડ લગાવી કમાણી કરી લેનારા લોકો સામે કોઈ જ પગલાં નહીં
મનપાની દબાણહટાવ શાખા માત્ર ૧૦૦-૨૦૦નો દંડ વસૂલીને થઈ જાય છે રવાના, શા માટે જાહેરાતોના બોર્ડના નક્કી કરાયેલા ભાવ પ્રમાણે ચાર્જ નથી વસૂલાતો ?
રાજકોટમાં જાણે કે સબ ભૂમિ...' હોય તેવી રીતે મન પડે ત્યાં દબાણો ખડકી દેવા, ગમે ત્યાં જાહેરાતોના બોર્ડ લગાવી દેવા હવે સામાન્ય બની ગયા હોય અથવા તો સરકારી તંત્રનીઆળસ’ને કારણે મફત'માં કમાણી કરી લેવાનું હાથવગું બની ગયું હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. શહેરના દરેક વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ સપ્લાય માટે થાંભલા ફિટ કરવામાં આવ્યા છે. જો કે આ થાંભલાનો પણ અત્યારે મફતની કમાણી કરી લેવા માટે ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યાનુંવોઈસ ઓફ ડે’ના કેમેરામાં કેદ થઈ ગયું છે.
થાંભલા પર પ્રમોશન કરતી જાહેરાતોના ટચુકડાં બોર્ડ લગાવી તેના થકી કમાણી કરવામાં આવી રહી છે છતાં તંત્રના ધ્યાન ઉપર આ મુદ્દો આવી રહ્યો નથી. આમ તો આ પ્રકારના બોર્ડ ક્યાંય લગાવવા હોય તો તેના માટે મહાપાલિકાની મંજૂરી લેવી ફરજિયાત હોય છે અને મંજૂરી મળ્યા બાદ મહાપાલિકા દ્વારા જાહેરાતના બોર્ડની સાઈઝ કેટલી છે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવતો હોય છે પરંતુ આ ચાર્જ ચૂકવવાનું અનેક લોકોને સૂઝતું જ ન હોવાથી તેમને મન પડે ત્યાં થાંભલા પર બોર્ડ લગાવી પોતાની બ્રાન્ડનું પ્રમોશન કરતા હોય છે.
આવું લગભગ દરેક થાંભલા પર જોવા મળી રહ્યું છે જેના કારણે મહાપાલિકા તંત્રને મોટું નુકસાન જઈ રહ્યું છે. આ પ્રકારના દબાણો દૂર કરવાની જવાબદારી મનપાની દબાણ હટાવ શાખાની હોય છે અને તેના દ્વારા દર સપ્તાહે કાર્યવાહી કરાય પણ છે પરંતુ તે માત્રને માત્ર દંડ વસૂલી સંતોષ માની લેતી હોવાને કારણે મફતમાં કમાણી કરનારા તત્ત્વોને ફાવતું મળી ગયું છે.
જો મનપા આ પ્રકારના બોર્ડ જે કંપની અથવા તો દુકાનના હોય તેની પાસેથી નિર્ધારિત કરેલો ચાર્જ વસૂલે તો ઘણો ફાયદો થાય તેમ છે. આ ઉપરાંત શહેરની શોભા પણ આ પ્રકારના બોર્ડ બગાડી રહ્યા છે.
