હજુ ખુલ્લો નથી મુકાયો ત્યાં જ મોટામવા બ્રિજના ચાર પીલર નબળા !
ટ્રાફિક સમસ્યા ઘટાડવા પુલને પહોળો કરવાના કામમાં કોન્ટ્રાક્ટરની લાલીયાવાડી પકડાઈઃ સાતમાંથી ચાર પીલરમાં પૂરતું કોંક્રિટ નહીં હોવાનું ખુલ્યું
રાજકોટ મહાપાલિકા દ્વારા ખાસ કરીને જ્યારે બ્રિજ બનવાનું કામ શરૂ કરવામાં આવે અને તેમાં કોઈ વાંધાવચકા ન નીકળે તો જ નવાઈ પામવા જેવું ! મનપા દ્વારા બનાવવામાં આવેલા એક પણ બ્રિજ સમયસર શરૂ થઈ શક્યા નથી અને ઉલટાનું તેમાં કંઈકને કંઈક ગ્રહણ આવીને ઉભું જ હોય છે. આવું જ કંઈક મોટામવા સ્મશાન પાસે આવેલા પુલમાં થવા પામ્યું છે. અહીં દરરોજ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા પુલને પહોળો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને છ મહિનાથી આ કામગીરી ચાલી પણ રહી છે. સાત પીલરના ટેકે આ બ્રિજને પહોળો કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે એવો ખુલાસો થયો છે કે બ્રિજના સાતમાંથી ચાર પાયા નબળા હોવાથી હવે તેને તોડી પાડવા પડશે !!
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મહાપાલિકા દ્વારા બેકબોન કંપનીને 13 કરોડના ખર્ચે મોટામવા પુલ પહોળો કરવાનું કામ તેમજ ભીમનગરમાં કલ્વર્ટનું કામ આપવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કામ આપી દેવાયા બાદ બંને મહિના પહેલાં પીલરમાં કોંક્રિટ સહિતનું મટિરિયલ વ્યવસ્થિત વાપરવામાં આવ્યું છે કે નહીં તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ એવો આવ્યો છે કે સાત પૈકી ચાર પીલર નબળા છે એટલા માટે તે વધુ સમય સુધી ટકી શકશે નહીં. બ્રિજ પહોળો કરવાની કામગીરી છ મહિનાથી ચાલી રહી છે પરંતુ હવે ચાર પાયા તોડવા પડે તેવી સ્થિતિ હોવાને કારણે કામ પૂર્ણ થવામાં ઘોર વિલંબ થશે અને વાહન ચાલકોએ હજુ આવનારા મહિનાઓ સુધી અહીં ટ્રાફિકજામ સહિતનો સામનો કરવો પડશે. અત્રે એ પ્રશ્ન પણ મહત્ત્વનો બની જાય છે કે મહાપાલિકા દ્વારા બે મહિના પહેલાં સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું તેની જાણકારી હવે શા માટે સામે આવી રહી છે ? શું તંત્ર આ રિપોર્ટને છુપાવી રાખવા માંગતું હશે તે સહિતના પ્રશ્નો લોકોમાં ઉપસ્થિત થઈ રહ્યા છે.
બીજી બાજુ અત્યારે ચોમાસું ચાલી રહ્યું હોવાને કારણે વરસાદને ધ્યાનમાં રાખી પુલને પહોળો કરવાની કામગીરી ખોરંભે ચડી જાય તેમ હોવાથી સંભવતઃ ચોમાસું પૂર્ણ થયા બાદ જ કામ પૂરું થઈ શકે તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. અત્રે એ વાત પણ નોંધવી રહી કે હજુ કામ પૂર્ણ થયું નથી ત્યાં જ પુલના પીલર નબ્ાળા હોવાનું ધ્યાને આવી ગયું છે અન્યથા પુલ ખુલ્લો મુકાઈ ગયો હોત તો મોટી દૂર્ઘટના પણ સર્જાઈ શકે તેમ હતી.