રાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે ચાર લોકોના હાર્ટ એટેકથી મોત
રાજકોટમા કડકડતી ઠંડી વચ્ચે ચાર લોકોના હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારોમા ગમગીની છવાઇ જવા પામી છે.પ્રથમ બનાવની વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમા રહેતા અજીતભાઇ લક્ષ્મીદાસ મેસવાણીયા (ઉ.વ. 55) સવારે પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. જયા તબીબે જોઇ તપાસી હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનુ જાહેર કકર્યું હતું.મૃતક આધેડ બે ભાઇમા મોટા અને તેમને સંતાનમા એક પુત્રી છે.બીજા બનાવમા રાજનગર ચોક પાસે આવેલી કૈલાસ સોસાયટીમા રહેતા જયેશભાઇ દેવજીભાઇ રત્નોતર (ઉ.વ. 51) પોતાના ઘરે હતા ત્યારે સાંજના અરસામા હૃદય રોગનો હુમલો આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા ખસેડયા હતા. જયા તેમનુ મોત નીપજ્યું હતું.મૃતક આધેડ 3 ભાઇ એક બહેનમા મોટા હતા અને તેમને સંતાનમા બે પુત્ર છે. આધેડ રીક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા હતા.

ત્રીજા બનાવમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા જીવંતીકાનગરમા રહેતા સુરેશભાઇ મેઘજીભાઇ પિત્રોડા (ઉ.વ. 55 ) રામાપીર ચોકડી પાસે આવેલા શાસ્ત્રીનગરમા કલર કામ કરતા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયા હતા. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવતા ફરજ પરના તબીબે તપાસી આધેડનુ હાર્ટ એટેકથી મોત નિપજયુ હોવાનુ જણાવ્યું હતું. અને ચોથા બનાવમા રેલનગરમા રહેતા જીતેન્દ્રભાઇ જેન્તીલાલ બારડ નામના 51 વર્ષના આધેડ રાત્રિના પોતાના ઘરે હતા ત્યારે છાતીમા દુખાવો ઉપડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. તેમનું મોત નીપજ્યું હતું. મૃતક આધેડ બે ભાઇ બે બહેનમા વચેટ અને અપરણીત હતા. ચારેય બનાવ મામલે સ્થાનિક પોલીસે નોંધ કરી છે.
