લોધિકાના દેવગામમાં ચાર હોટલોના દબાણ તોડી પડાયા
સરકારી ખરાબાની અંદાજિત રૂ ૩ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ : રાજકોટ-કાલાવડ મેઈન રોડ ઉપર લોધિકા તાલુકાના દેવગામ ગામે સરકારી ખરાબાની જમીન ઉપર ખડકાઈ ગયેલી જુદી-જુદી કુલ-૪ હોટેલ સંચાલકોએ અનઅધિકૃત દબાણ કરી લેતા જિલ્લા કલેકટરના આદેશ બાદ મામલતદાર લોધીકા અને તેમની ટીમોએ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અંદાજિત રૂ. ૩ કરોડની કિંમતની ૨૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ -કાલાવડ રોડ ઉપર લોધીકા તાલુકાના દેવગામ ગામની સરકારી ખરાબાની જમીન ઉપર અલગ અલગ ચાર હોટલ સંચાલકોએ દબાણ ખડકી દેતા જિલ્લા કલેકટર રાજકોટના માર્ગદર્શન હેઠળ મામલતદાર લોધીકા અને તેમની ટીમે અનઅધિકૃત કબ્જો ખાલી કરવા ૭ દિવસથી વધુ સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ધ્યાને ન લેતાં અંતે ગુરુવારે ગેરકાયદે બાંધકામોને ખાલી કરવા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ ના થાય તે માટે આ જમીનના ફરતે ફેન્સિંગ કરવામાં આવશે. તેમ લોધિકા મામલતદારે જણાવ્યું હતું.