રાજકોટ યાર્ડના ચાર બ્રોકરો જીરુંના વાયદામાં ડૂબ્યા ! કરોડોમાં હાથ ઉંચા કરી દીધા
ચાર મહિના પહેલા જીરુંના ભાવમાં આવેલી તેજી સમયના સોદા માથે રહી જતા બ્રોકર પલાયન : મારાથી પોચાણ નહીં થાય… એક બ્રોકરે તો મેસેજથી વેપારીઓને જાણ કરી, અનેક વેપારીઓ સુધી રેલો પહોંચશે
રાજકોટ : જીરુંની તેજીના ખેલમાં રાજકોટ માર્કેટિંગના ચારેક જેટલા મોટાગજાના બ્રોકરોના ટ્રેડ માથે રહી જતા જીરુંના વાયદામાં ડૂબ્યા હોવાની યાર્ડમાં વ્યાપક ચર્ચા વચ્ચે એક બ્રોકરે તો પોતાના કર્મચારીઓને છુટા કરી દઈ હવે મારાથી પોચાણ નહીં થાય એવા મેસેજ વેપારીઓને મોકલી દેતા રાજકોટ યાર્ડમાં દેકારો બોલી ગયો છે અને આ મોટાગજાના બ્રોકરો ઉઠી ગયા બાદ આ રેલો વેપારીઓ સુધી પહોંચવાની શક્યતા પણ જોવાઈ રહી છે.
મંદીના માહોલ વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તા.23થી 1લી એપ્રિલ સુધી માર્ચ એન્ડિંગના કારણે રજા જાહેર કરી છે એવા સમયે જ રાજકોટ યાર્ડમાં જીરુંના વેપારમાં મોટાગજાના ગણાતા ચારેક જેટલા બ્રોકરો કરોડો રૂપિયામાં ઉઠી ગયાની વ્યાપક ચર્ચાઓ ઉઠતા વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે, વધુમાં સૌરાષ્ટ્રથી શરૂ થયેલ જીરુંના તેજીના ખેલમાં કાયમ માટે 5થી 7 હજાર રૂપિયા જેટલા જળવાયેલા ભાવની સામે તેજી સમયે જીરુંના ભાવ 12000ને વટાવી ગયા હતા અને આ તેજીનો પરપોટો ફૂટી જતા હાલમાં જીરુંના ભાવ 4150થી 4852 વચ્ચે અથડાઈ રહ્યો હોય અનેક વેપારીઓ અને બ્રોકરોના ટ્રેડ માથે રહી જતા બ્રોકરો કરોડો રૂપિયામાં ડૂબી ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણના એક નામ જેવી અટક ધરાવતા બ્રોકરે તો પોતાના તમામ કર્મચારીઓને છુટા કરી દઈ હવે જીરુંના સોદામાં પોતે પહોંચી શકે તેમ ન હોવાના મેસેજ વહેતા કરી દઈને હાથ ઉંચા કરી દઈ પોતાની ઓફિસને તાળા લગાવી દીધા હોવાનું તેમજ અન્ય બેથી ત્રણ બ્રોકરો પણ આવી જ રીતે ટ્રેડ માથે રહેવાથી પહોંચી શકે તેમ ન હોય લેણદારોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોવાનું વેપારી આલમમાંથી જ જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જીરુંના ભાવની કૃત્રિમ તેજી સૌરાષ્ટ્રમાંથી જ શરૂ થઇ હતી તેવામાં તેજીના ખેલમાં રાજકોટના બ્રોકરોના ખેલ હાલમાં મંદીના સમયે ઊંધા પડી ગયા છે. હાલમાં જીરુંની પુષ્કળ આવક વચ્ચે ભાવ દબાઈ ગયા હોય તેજીના ખેલ વખતે મૂંઝવણમાં મુકાયેલા ઊંઝાના વેપારીઓ રાજકોટના બ્રોકરોના પડતીના ખેલ જોઈ ખુશ જોવા મળી રહ્યા છે, નોંધનીય છે કે રાજકોટના બ્રોકરો હાજર વાયદાની સાથે ડબ્બામાં પણ ફસાયા હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે અને માર્ચ એન્ડિંગના વેકેશન બાદ ખૂલતામાં ઉઠી ગયેલા બ્રોકરોને કારણે વેપારીઓને પણ સહન કરવાનો વારો આવે તેમ હોવાના સંકેત મળી રહ્યા છે.
