ઇમ્પિરીયલ હાઇટ્સના પાર્કિંગમાં પૂર્વ ધારાસભ્યના ભાણેજ ઉપર બે શખ્સોનો હુમલો
બેઝમેન્ટમાં નડતરરૂપ પાર્ક કરેલી સ્કોર્પિયો હટાવવા બાબતે માથાકૂટ
૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી ઇમ્પિરીયલ હાઇટ્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં નિલ સિટી ક્લબના સંચાલક સમર્થભાઇ કિશોરભાઇ મહેતા સાથે પાર્કિંગમાં સ્કોર્પિયો નડતરરૂપ પાર્ક કરવામાં આવી હોઇ તે સરખી રીતે રાખવાનું કહેવાતાં માથાકૂટ કરી બે શખ્સોએ હુમલો કરતા માલવીયાનગર પોલીસે આ મામલે સાવન મિયાત્રા અને સતુભા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે અને બન્નેની ધરપકડ માટે શોધખોળ શરુ કરી છે. ભાણેજ સાથે પાર્કિંગ બાબતે થયેલી માથાકૂટમાં પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂએ પોલીસ કમિશનરને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
સંજયરાજ એસ્ટેટ નામે કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવા ઉદ્યોગપતિ સમર્થભાઇ કિશોરભાઇ મહેતાની ઇમ્પીરીયલ હાઇટ્સમાં બી વિંગ-૪માં કન્સ્ટ્રક્શનની ઓફીસ છે. શુક્રવારે સાંજે તેમના મિત્ર સિધ્ધાર્થભાઇ વિઠ્ઠલાણી ઓફિસે આવ્યા હોય તમણે ફોન ઉપર સમર્થને જણાવ્યું કે તેમણે એલોટેડ પાર્કીંગમાં ગાડી પાર્ક કરી છે, જ્યાં હાલ પાર્કીંગમાંથી બહાર નીકળવાના રોડ ઉપર એક કાળા કલરની જીજે૩૬એસી-૦૦૦૦૮ નંબરની સ્કોર્પીયો રસ્તામાં વચ્ચોવચ્ચ પાર્ક કરવામાં આવી છે. સમર્થભાઈ ઓફીસમાંથી બેઝમેંટ પાર્કીંગમાં આવ્યા ત્યારે મિત્ર સિધ્ધાર્થભાઇ હાજર હતા. આ ઉપરાંત ત્યા બજાજ ફાયનાન્સ વાળા સાવન મિયાત્રા પણ હાજર હતાં. સાવન મિયાત્રાને તેની ગાડી હટાવી લેવાનું કશહેતાં તેણે ગાડી અહીં જ રહેશે, ગાડી અહિથી હટશે નહિ તેમ કહ્યું હતું. થોડીવાર માં ત્યાં સતુભા નામનો માણસ આવ્યો હતો અને સમર્થ ઉપર હુમલો કર્યો હતો. માથાકુટ સમયે કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઇ હતી. એટલીવારમાં સાવન અને સતુભા બંને પોલીસને જોઇને ભાગી ગયા હતાં. પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂએ જણાવ્યું કે આ બિલ્ડીંગમાં પાર્કિંગ બાબતનો રોજનો ત્રાસ હોય પોલીસ કમિશનરનું પણ ધ્યાન દોર્યુ છે.