તા.18મીથી લોકમેળાના સ્ટોલ-પ્લોટનું ફોર્મ વિતરણ
આ વર્ષે સ્ટોલ-પ્લોટના ભાવમાં 10 ટકાથી વધુનો ભાવ વધારાની સંભવના
રાજકોટ : આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જન્માષ્ટમી લોકમેળામાં રમકડાં, ખાણીપીણી, યાંત્રિક આઇટમો અને આઈસ્ક્રીમ ચોકઠાં સહિતના પ્લોટ અને સ્ટોલ માટે સંભવતઃ તા.18થી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે, હાલમાં લોકમેળા માટેના સ્ટોલના ફોર્મનું છાપકામ શરૂ કરાયું છે અને સોમવારે બપોર બાદ લોકમેળા સમિતિની બેઠકમાં સ્ટોલના ભાવતાલ નક્કી કરવામાં આવ્યા બાદ ફોર્મ વિતરણ કરવામાં આવશે.
લોકમેળા સમિતિ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને પગલે ક્રાઉડ કંટ્રોલ માટે લોકમેળા સમિતિએ લોકમેળામાં 35 ટકા સ્ટોલ ઘટાડવા નિર્ણય કર્યો છે ત્યારે સોમવારે બપોર બાદ લોકમેળા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આ વર્ષ લોકમેળામાં જુદી-જુદી કેટેગરીમાં સ્ટોલ અને પ્લોટના ભાવ નક્કી કરી સંભવતઃ આગામી તા.18મીથી સ્ટોલ અને પ્લોટ માટેના ફોર્મનું વિતરણ કરવા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
બીજી તરફ રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.24થી 28 ઓગષ્ટ દરમિયાન યોજાનાર જન્માષ્ટમી લોકમેળાના સ્ટોલ અને પ્લોટના ભાડામાં ઓણસાલ 10 ટકાથી વધુનો ભાવવધારો કરવામાં આવે તેવા સંકેતો પણ અધિકારીક વર્તુળોમાંથી મળી રહ્યા છે, ખાસ કરીને વધતી જણતી મોંઘવારીને ધ્યાને લઈ ધંધાર્થીઓમાં પણ કચવાટ ન થાય તે રીતે ભાવવધારો કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.