કાજૂ-બદામ-પીસ્તા-અંજીર ઉપર ફૂડ શાખાનો ‘એટેક’
ચાર દિ’માં અલગ-અલગ ૫૮ સ્થળેથી ડ્રાયફ્રૂટ ઉપરાંત મિઠાઈ, માવાના નમૂના લેવાયા: રિપોર્ટ બે મહિને આવશે
દિવાળીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા રાજ્યની દરેક મહાપાલિકાની ફૂડ શાખાને મોટાપાયે ખાદ્યપદાર્થોના નમૂના લેવાનો આદેશ આપવામાં આવ્યો હોય રાજકોટની ફૂડ શાખાએ પણ એક બાદ એક દુકાનોને ઝપટે લેવાનું શરૂ કર્યું છે. દરમિયાન ચાર દિવસની અંદર ફૂડ શાખાએ અલગ-અલગ ૫૮ સ્થળેથી ડ્રાયફ્રૂટ, મિઠાઈ, માવા સહિતના નમૂના લઈને લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલ્યા છે. જો કે તેમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં તેનો ખ્યાલ તો ૬૦ દિવસે આવશે !
ફૂડ શાખા દ્વારા કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે ઝીવેલ ડ્રાયફ્રૂટસમાંથી બ્લેક રેઝીન, યુનિ.રોડ પર પંચાયત ચોકમાં આવેલી મે.રમણીકલાલ ગોપાલજી ગાંધીને ત્યાંથી અખરોટ, સોરઠિયાવાડી શેરી નં.૬માં જય ભવાની સીંગ સેન્ટરમાંથી બદામ, કિસમીસ, રઘુવીરપરામાં સાગર ફૂડસમાંથી બદામ, કાજુ, પીસ્તા, અંજીર, નિલકંઠ સિનેમા પાસે શિવમ ફ્રૂટ એન્ડ ડ્રાયફ્રૂટસમાંથી સ્પેશ્યલ કાજુ ઉપરાંત ઈન્દિરા સર્કલ પાસે બેંગાલ સ્વીટસમાંથી કેસર પેંડા, કાજુ કતરી, કાલાવડ રોડ પર જય સીયારામ પેંડાવાલાને ત્યાંથી કેસર મલાઈ પૂરીપેંડા, સ્પેશ્યલ પેંડા, યુનિ.રોડ પર પારિજાત સોસાયટીમાં આવેલી ગીરીરાજ ડેરીમાંથી રજવાડી પેંડા, થાબડી પેંડા, કનૈયા ચોક પાસે દીપક સોસાયટીમાં લક્ષ્મી જાંબુમાંથી મીઠો માવો સહિતના નમૂના લેવામાં આવ્યા હતા.