રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફરીથી ફ્લાઈટ શરૂ થશે
૧૬ સપ્ટેમ્બરથી દૈનિક ઉડાન ભરશે: હૈદરાબાદથી બપોરે ૧૨:૧૦એ ઉપડી ૧:૫૫એ રાજકોટ આવશે, રાજકોટથી ૨:૨૫એ રવાના થઈ ૪:૦૫ વાગ્યે હૈદરાબાદ પહોંચાડશે
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હૈદરાબાદની ફ્લાઈટ ફરીથી શરૂ કરવાનો નિર્ણય ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા લેવામાં આવ્યો છે. અગાઉ આ ફ્લાઈટનું સંચાલન રાજકોટથી થઈ રહ્યું હતું પરંતુ પેસેન્જર ઓછા મળવાને કારણે ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. જો કે હૈદરાબાદ જવા માટે મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખી એર લાઈન્સે ફરીથી આ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
ઈન્ડિગો એર લાઈન્સ દ્વારા ૧૬ સપ્ટેમ્બરથી રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે જે સપ્તાહના સાતેય દિવસ ઉડાન ભરશે. આ ફ્લાઈટ હૈદરાબાદથી બપોરે ૧૨:૧૦ વાગ્યે ઉપડી ૧:૫૫ વાગ્યે રાજકોટ લેન્ડ કરશે. આ પછી રાજકોટથી બપોરે ૨:૨૫એ રવાના થઈ ૪:૦૫ વાગ્યે હૈદરાબાદ પહોંચશે.
આમ રાજકોટ વધુ એક શહેર સાથે જોડાયું છે. હાલ રાજકોટથી અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ગોવા સહિતની ફ્લાઈટ કાર્યરત છે.
ઈન્ડિગોની મુંબઈની ફ્લાઈટ પોણા બે કલાક મોડી
રાજકોટ એરપોર્ટ ઉપર ઈન્ડિગો એર લાઈન્સના ધાંધિયા ઓછા થવાનું નામ જ લઈ રહ્યા ન હોય તેવી રીતે મુંબઈની ફ્લાઈટ વધુ એક વખત મોડી પડતાં મુસાફરોએ રઝળવું પડ્યું હતું. ઈન્ડિગોની મુંબઈની ફ્લાઈટ નં.૬ઈ-૫૧૪૨ કે જે બપોરે ૧૨:૨૦એ રાજકોટથી ઉડાન ભરે છે તે ટેક્નીકલ કારણોસર પોણા બે કલાક મોડી પડતાં અહીંથી બપોરે ૨:૦૫ વાગ્યે ટેકઓફ થતાં મુસાફરોએ ત્યાં સુધી એરપોર્ટ ઉપર જ બેસી રહેવું પડ્યું હતું.