સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદના પાંચ શખ્સોની ગુજસીટોકમાં ધરપકડ
હત્યા,અપહરણ ખંડણી સહિત ૩૦થી વધુ ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરનાર ટોળકી જેલમાં ધકેલાઈ
સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ પંથકમાં લૂંટ, ખંડણી અને હત્યા સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપનારી નામચીન મહાવીર સિંધવ ગેંગને બોટાદ એલસીબીએ ઝડપી પાડ્યા બાદ આ ગેંગ દ્વારા આચરવામાં આવેલ 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આ ટોળકીના પાંચ સભ્યો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. ઉપરાંત સુરેન્દ્રનગરમાં મહાવીર સિંધવનું બિશ્ર્નોઇ ગેંગ સાથે કનેક્શન સામે આવ્યું છે. ગેંગનાં વધુ એક સભ્યની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાઈ છે.
બોટાદમાં ગત ૧લી જુલાઈના રોજ બી.આર. ફાઈનાન્સ નામની ઓફિસ ચલાવતા યુવાનને મહાવીરસિંહ સિંધવની ગેંગના માણસોએ અગાઉના કેસોમાં સમાધાન કરી લેવા દબાણ કરી પાઈપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની તપાસ બોટાદ એલસીબી પીઆઈને સોંપવામાં આવી હતી. મહાવીર સિંઘવ અને તેના સાગ્રીતોએ છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ખંડણી, હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિત 30 જેટલા ગુનાઓ આચર્યા હોય બોટાદ એલસીબીએ સુરેન્દ્રનગરના ચુડાના મહાવીરસિંહ ભગવાનભાઈ સિંધવ ઉપરાંત તેના સાગરિતો બોટાદના ભરત ભગવાનભાઈ કમેજળિયા, જાવેદ ઉર્ફે ટકો ડોન રજાકભાઈ જાંગડ, ચુડાના મયુરસિંહ દિલીપસિંહ ડોડિયા અને રોશન સંતરામ રામપ્રસાદ શર્મા વિરૂધ્ધ ઓર્ગેનાઈઝ ક્રાઈમ અંગે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. રોશન શર્મા જે યુપી રહે છે તેને પકડવા માટે બોટાદ પોલીસે યુપી પહોચી જઈ એને ઝડપી લીધો હતો.
પકડાયેલ તમામનો ગુનાહિત ઈતિહાસ
મુખ્ય આરોપી મહાવીર સિંઘવ જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે તેની સામે લૂંટ, અપહરણ અને આર્મ્સ એકટ સહિત કુલ 13 જેટલા ગુનાઓ,ભરત કમેજળીયા સામે મારામારીના 4 જેટલા ગુના જયારે જાવેદ ઉર્ફે ટકો ડોન સામે મારામારી અને પ્રોહિબિશન સહિત 7 ગુના ઉપરાંત મયુરસિંહ ડોડિયા સામે હત્યાના પ્રયાસો, લૂટ અને અપહરણના 4 ગુના અને રોશન શર્મા સામે હત્યાનો પ્રયાસ, લૂંટ અને અપહરણ સહિત 4 ગુનાઓ નોંધયેલા હોય આમ આખી ટોળકી સામે 30થી વધુ ગંભીર ગુના નોંધયેલા છે, જે તમામ સામે ઓર્ગેનાઈઝ ક્રાઈમ અંગે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી જેલના હવાલે કર્યા છે.