રાજકોટના ખેડૂત પાસેથી જમીન ખરીદી પાંચ શખસોએ કરી રૂ.૧.૯૬ કરોડની છેતરપિંડી
ખેડૂતની પડધરીમાં આવેલી જમીનનો રાજકોટ,જુનાગઢ અને ધ્રોલના શખસોએ સોદો કરી તેમની પાસેથી દસ્તાવેજ કરાવી લઇ મિલકતના પૈસા જ ન આપ્યા : પડધરી પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યો
રાજકોટમાં નાના મવા મેઇન રોડ રહેતા ખેડૂતની પડધરીમાં આવેલી રૂ.૨ કરોડની જમીન ખરીદવાનું કહી રાજકોટ અને જુનાગઢ સહિતના પાંચ શખસોએ સોદો નક્કી કરી ખેડૂત પાસેથી વેચાણ દસ્તાવેજ કરાવી તેને રૂ.૩.૭૦ લાખ આપી બાકીના નીકળતા ખેડૂતના રૂ.૧.૯૬ કરોડ ન આપી તેઓને હેરાન કરતાં અંતે પડધરી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વિગત મુજબ રાજકોટમાં નાના મવા મેઇન રોડ પર શાસ્ત્રી નગર પાછળ રાજ પેલેસ પાર્કમાં રહેતા અશોકભાઈ કિશોરભાઈ પરમાર (ઉ.વ.૫૨)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાજકોટમાં ઢેબર રોડ પર રહેતા દિનેશભાઈ પ્રવીણભાઈ જાવીયા,હિરેન હાપલીયા,જુનાગઢના રામશીગભાઈ રાણાભાઈ આહીર,કિશોરભાઈ ભીમજીભાઈ ઠકરાર અને ધ્રોલના નરોતમભાઈ શામજીભાઈ તળપદાનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમની પડધરીમાં જમીન આવેલી છે.વર્ષ ૨૦૨૨માં તેઓને પૈસાની જરૂરિયાત પડતા આ જમીન વેચવાનું નક્કી કર્યું હતું.જેથી તેનો આરોપી રામશીગ સાથે પરિચય થયો હતો.જે દિનેશ જાવીયા સાથે જમીન લે-વેચમાં દલાલીનું કામ કાજ કરે છે.વાત કરતાં જ બંને આરોપીઓ પડધરી જમીન જોવા માટે આવ્યા હતા.અને તે સમયે આરોપી હિરેન હાપલીયા પણ જમીન જોવા માટે પોતાની કારમાં આવ્યો હતો. આ લોકોને જમીન ગમી જતાં તેઓએ ખરીદવાનો નિર્ણય કર્યો હતો.અને ફરિયાદી અશોકભાઈને રાજકોટ ખાતે ૨ કરોડમાં જમીનનો સોદો નક્કી કર્યો હતો.બાદમાં તેઓએ રૂ.૩.૭૦ લાખનો સૂતી પેટેનો ચેક આપ્યો હતો.
ત્યાર બાદ જમીન ટ્રાન્સફર કરવા માટે પડધરી સબ રજીસ્ટાર કચેરી ખાતે તમામ આરોપીઓ ભેગા થયા હતા.અને આ જમીન તેઓના નામએ કરી લીધી હતી.પરંતુ ફરિયાદીને ખેડૂતને રૂ.૧.૯૬ કરોડ આપ્યા ન હતા.આ પૈસા તેઓ જુનાગઢ આપશે તેમ કહેતા ફરિયાદી જુનાગઢ ગયા હતા.પરંતુ ત્યાં બે દિવસ રોકાયા બાદ પણ પૈસા આપ્યો ન હતા.અને તેના બદલામાં ૨ કરોડની જમીનના કાગળો આપ્યા હતા.થોડા સમય બાદ પણ જમીનના બાકી નીકળતા રૂપિયા ન આપતા ફરિયાદીએ ઉઘરાણી કરી હતી.તો આરોપીએ તેઓને અમદાવાદ ખાતે બોલાવી ત્યાં આરોપી કિશોરે ટીઆરપી મોલમાં દુકાન આપવાનું નક્કી કર્યું હતું.અને એક દુકાનના કાગળો કરાવી આપ્યા હતા.પરંતુ કોઈ આરોપી તેઓના નીકળતા પૈસા આપ્યા ન હતા.બાદમાં આરોપીઓએ અલગ અલગ નોટરી કરાવી આપી હતી.છતાં બાકી નીકળતા રૂ.૧.૯૬ કરોડ ન આપી છેતરપિંડી કરતાં અને પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.