પોલીસના જાહેરનામાને નહીં ગણકારનાર પાંચ બસ ડિટેઈન
કમિશનરે કડક અમલવારીની જાહેરાત કરતાં જ કાર્યવાહીનો ધમધમાટ
૧૫૦ ફૂટ રોડ ઉપર ટ્રાવેલ્સની બસોનું પાર્કિંગ ઉભું કરવા એસો.ને ૬ મહિનાનો સમય આપ્યા બાદ વ્યવસ્થા નહીં કરતાં ડિટેઈન હથિયાર'નો ઉપયોગ શરૂ
ટ્રાવેલ્સ એસો.એ કહ્યું, અમે રૈયા ચોકડી પાસે પેટ્રોલપંપ પાસે પાર્કિંગની વ્યવસ્થા કરી જ છે, પોલીસ એકમાત્ર અમારી
પાછળ’ જ પડેલી રહે છે, ગૃહમંત્રીને કરાશે ફરિયાદ
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે જેના ઉકેલ માટે પોલીસ અને મહાપાલિકા દ્વારા અનેક પ્રયાસો કરાયા છતાં કોઈ જ નિવેડો આવી રહ્યો નથી. બીજી બાજુ શહેરમાં ટ્રાવેલ્સની બસો ફરતી હોવાને કારણે અને તેમાં પણ ખાસ કરીને ૧૫૦ ફૂટ રોડ ઉપર ટ્રાવેલ્સની બસો પડી રહેતી હોવાને લીધે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરીને એક જ દિવસમાં પાંચ બસ ડિટેઈન કરી નાખી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે રાજકોટની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ૧૫૦ ફૂટ રોડ ગોંડલ બ્રિજ શરૂ થયા બાદ આ રોડ ઉપર ખાનગી બસોને પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પાંચ મહિના પહેલાં બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાનો આજથી જ કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાનગી બસોને રોડ ઉપર નહીં બલ્કે તેના માટે અલાયદા પ્લોટની વ્યવસ્થા ઉભી કરીને તેમાં પાર્કિંગ કરવાનું અગાઉ નક્કી થયું હતું પરંતુ ટ્રાવેલ્સ એસો. દ્વારા કોઈ જ પ્રકારની સુવિધા કરવામાં આવી ન્હોતી અને દિવસનો મોટાભાગનો સમય મોટી મોટી બસો રોડ ઉપર જ પાર્ક કરી દેવાતી હોવાથી ટ્રાફિકજામ થઈ રહ્યાની લોકોની ફરિયાદો પોલીસ સુધી પહોંચી હોવાને કારણે જાહેરનામાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે.
જ્યારે ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવ્યું કે અગાઉ વાત થયા પ્રમાણે અમે બસના પાર્કિંગ માટે પ્લોટની વ્યવસ્થા રૈયા ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ પાછળના પ્લોટમાં કરેલી જ છે અને ત્યાં બસનું પાર્કિંગ થઈ રહ્યું હતું પરંતુ પોલીસને ટ્રાફિક સમસ્યા માટે માત્રને માત્ર ટ્રાવેલ્સની બસ જ દેખાતી હોય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ૧૫૦ ફૂટ રોડ ઉપર ટ્રાફિકજામ થવાના અનેક કારણો છે એટલા માટે પોલીસે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. અમે આગામી દિવસોમાં આ મુદ્દે ગૃહમંત્રીને પણ ફરિયાદ કરવાના છીએ તેના પહેલાં શહેર ભાજપ પ્રમુખ તેમજ ધારાસભ્યોને પણ ફરિયાદ કરવામાં આવશે.