પહેલા ભૂમાફિયાઓને જેલભેગા કરો, પછી અમારા આશરા છીનવજો
અમરગઢ ભીચરીમાં સરકારી જમીન ઉપર શિવમપાર્ક સોસાયટી પ્રકરણમાં
રૂપિયા 6થી 7 લાખમાં ખરાબામાં મકાન અને પ્લોટ ખરીદનાર ગરીબો આકરે પાણીએ, કલેક્ટરને આવેદન
રાજકોટ : રાજકોટ નજીક અમરગઢ ભીચરીમાં જમીન કૌભાંડી તત્વોએ ગરીબ લોકોને શિવમ પાર્ક સૂચિત સોસાયટીના નામે સરકારી ખરાબમાં લાખો રૂપિયા વસૂલી મકાન અને પ્લોટ વેચવા પ્રકરણમાં મામલતદાર દ્વારા અહીં વસવાટ કરતા લોકોને ડિમોલિશન અંગેની નોટિસ ફટકારતા જ સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો છે. પોતના આશરા છીનવાઈ જશે તેવી દહેશત હેઠળ જીવતા અમરગઢ ભીચરીના ગરીબ લોકોએ પોતે છેતરાઈ ગયા હોવાની રજુઆત સાથે પહેલા ભૂમિફિયાઓને લેન્ડગ્રેબિંગ હેઠળ જેલભેગા કરી બાદમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી ડિમોલિશન કરવા કલેકટર સમક્ષ માંગ કરી હતી.
અમરગઢ ભીચરીના શિવમપાર્કમાં રહેતા લોકોએ જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવ્યું હતું કે, અમે લોકોએ કોઈએ સરકારી જમીનમાં દબાણ કરેલ નથી. અમે ગરીબવર્ગના અનુસૂચિત જતી તેમજ પાછતવર્ગના નાગરિકો છીએ અને મજૂરીકામ કરી જીવનનિર્વાહ ચલાવી પેટે પાટા બાંધી ઘરના ઘરનું સ્વપ્નું સાકાર કરવા પાંચ વર્ષ પૂર્વે વ્યાજે પૈસા લઈ શિવમ સોસાયટીના પ્રયોજક જનક બી.રાઠોડ, અરવિંદ પ્રજાપતિ, દીપ હીર, મેહુલ જોગરાજીયા, મયુરભાઈ અને મહિકાના માજી સરપંચ કાનાભાઇ ભરવાડ પાસેથી પ્લોટ મકાન ખરીદી અહીં વસવાટ કરીએ છીએ.
વધુમાં રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, તાલુકા મામલતદાર દ્વારા અમરગઢ ભીચરી ગામના રેવન્યુ સર્વે નંબર 228 પૈકી 1ની જમીનમાં અમે લોકોએ દબાણ કર્યું હોવાનું જણાવી આગામી તા.18 માર્ચ પછી ગમે ત્યારે દબાણ એકતરફી હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. તો બીજીતરફ ભૂમાફિયાઓ પણ અમોને ધમકી આપી રહ્યા હોવાનું જણાવી સ્થાનિક રહેવાસીઓએ પહેલા સરકારી જમીન ઉપર મકાનો બનાવી ગરીબ લોકોને છેતરનાર ભુમાફિયાઓને લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ જેલભેગા કરી બાદમાં ભોગ બનેલા ગરીબો માટે વૈક્લ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ ડિમોલિશન કરવામાં આવે તેવી જિલ્લા કલેકટર સમક્ષ માંગણી કરી હતી.