રાજકોટને આતશબાજી-લેસર શો રૂા.૩૧.૪૩ લાખમાં પડ્યા
લેસર-શો માટે તંત્રને એકમાત્ર ગ્લોબલ કોમ્યુનિકેશન એજન્સી જ મળી: ૨૫% `ઓછા’ ભાવે કામ કરી આપ્યું
એક કંપની માત્ર ૯.૫૦ લાખમાં કામ કરી આપવા તૈયાર હતી છતાં તેને કામ ન આપી ૨૧.૨૪ લાખનો કર્યો ખર્ચ
દર વર્ષની માફક આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા દિવાળી પર આતશબાજી અને લેસર-શો સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જે રાજકોટને ૩૧.૪૩ લાખમાં પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી જેને મંજૂરી અપાઈ હતી.
દિવાળી કાર્નિવલ અંતર્ગત તંત્ર દ્વારા બહુમાળી ચોક ખાતે લેસર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામ માટે મહાપાલિકાને એકમાત્ર ગ્લોબલ કોમ્યુનિકેશન નામની એજન્સી જ મળવા પામી હતી મતલબ કે અન્ય કોઈ એજન્સી તૈયાર થઈ ન હતી. આ કામના ખર્ચનો અંદાજ ૨૪ લાખ નિર્ધારિત કરવામાં આવ્યો હતો જેની સામે એજન્સી દ્વારા ૨૫% ઓછા ભાવે કામ કરી આપ્યું હતું ! આ રીતે કામના ૧૮ લાખ અને જીએસટી મળી મહાપાલિકા દ્વારા એજન્સીને ૨૧.૨૪ લાખનું ચૂકવણું કરવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ વખતનો લેસર-શો વિવાદાસ્પદ રહેવા પામ્યો હતો કેમ કે જે કામ તંત્ર દ્વારા ૧૮ લાખમાં કરાવાયું તેટલું જ નહીં બલ્કે તેના કરતા ઉમદા અને વધુ કામ કરી આપવા માટે એક એજન્સી ૯.૫૦ લાખ રૂપિયામાં તૈયાર હતી પરંતુ તેને કામ આપવામાં આવ્યું ન્હોતું. આ રીતે તંત્રએ ૮.૫૦ લાખનો વધુ ધૂમાડો કરી નાખ્યો હતો. જ્યારે આતશબાજી પાછળ ૧૦.૯૬ લાખ રૂપિયાના ખર્ચને બહાલી અપાઈ હતી.
અગ્નિકાંડ બાદ ૨.૯૯ કરોડના ખર્ચે `જાગૃતિ’ લવાશે !
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા દરેક શહેરોમાં આગના બનાવને લઈને જાગૃતતા લાવવા માટે કાર્યક્રમ તેમજ સેમિનાર કરવાનો આદેશ અપાયો હતો. આ આદેશ બાદ મહાપાલિકા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેસ માટે સેમિનાર, વર્કશોપ તેમજ પબ્લીક અવેરનેશ લાવવા માટે ૨,૯૯,૯૪,૦૦૦નો ખર્ચ કરવામાં આવશે.