દાઝી’ જવાય તેવો ફાયર ટેક્સ, રોષ ફાટી નીકળે તેવો કચરો એકઠો કરવાના ટેક્સનુંખતરનાક’ સુચન
મ્યુ.કમિશનરની સાફ વાત, સુવિધા વધુ જોઈએ તો ખીસ્સું હળવું કરવું પડે…
રહેણાક મિલકતમાંથી કચરો એકઠો કરવાનો ચાર્જ ૩૬૫માંથી વધારી ૧૪૩૦ અને કોમર્શિયલ મિલકતમાંથી કચરો એકઠો કરવાનો ચાર્જ ૧૪૬૦માંથી વધારી ૨૯૨૦ કરવાનું સુચવાયું
પ્રતિ ચોરસમીટર (રહેણાક) દીઠ રૂા.૧૫ અને કોમર્શિયલ માટે ૨૫ રૂપિયા ફાયર ટેક્સ વસૂલવાનું સુચવતાં મ્યુ.કમિશનર
રહેણાક મિલકતનો વેરો ૧૧થી વધારી ૧૫ અને કોમર્શિયલનો વેરો ૨૫માંથી ૩૦ કરવા ભલામણ'
મહાપાલિકાના ૨૦૨૫-૨૬ના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ હાજા ગગડી જાય તેવો વેરો વધારો સુચવતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડી લીધું છે. બીજી બાજુ મ્યુ.કમિશનરનું આ મુદ્દે સ્પષ્ટ માનવું છે કે જો સુવિધા વધુ જોઈતી હોય તો વેરો પણ વધારે જ ભરવો પડે ! ગુજરાતમાં પહેલી વખત રાજકોટ મહાપાલિકામાં ફાયર ટેક્સ નાખવાનું સુચન ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવ્યું છે તો કચરો એકઠો કરવાનો ટેક્સ પણ કમ્મર તોડી નાખે તેવો લાકડા જેવો કરવાનું સુચવવામાં આવતાં હવે પદાધિકારીઓ આ વધારાને માન્ય રાખે છે કે પછી એક ઝાટકે ઉડાવી દે છે તે જોવું રસપ્રદ બની રહેશે. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો રહેણાક મિલકતમાંથી કચરો એકઠો કરવાનો ચાર્જ છે. અત્યાર સુધી ઘેર-ઘેર જઈને કચરો એકઠો કરવાનો ચાર્જ રહેણાક મિલકત માટે ૩૬૫ અને કોમર્શિયલ માટે વાર્ષિક ૧૪૩૦ હતો જેમાં કમ્મરતોડ વધારો સુચવવામાં આવ્યો છે. એકંદરે ૨૦૨૫-૨૬થી રહેણાક મિલકત માટે ૧૪૬૦ અને કોમર્શિયલ માટે ૨૯૨૦ રૂપિયા વસૂલવાની ભલામણ કરવામાં આવી છે. આ રીતે કચરો એકઠો કરવાના ચાર્જની આવક વર્ષે ૫૫ કરોડ રૂપિયા જેવી થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. પ્રજાની કેડે ફાયર ટેક્સ નાખવાનું પણ
સાહસ’ મ્યુનિ.કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે. રહેણાક મિલકતો માટે પ્રતિ ચોરસમીટર દીઠ ૧૫ રૂપિયા અને કોમર્શિયલ મિલકત માટે પ્રતિ ચોરસ મીટર દીઠ ૨૫ રૂપિયા ટેક્સ વસૂલવા સુચવવામાં આવ્યું છે જેથી વર્ષે ૫૫ કરોડની આવક મહાપાલિકાને થવાનો અંદાજ છે.
જ્યારે મકાન વેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે મિલકત વેરા વસૂલાતનો લક્ષ્યાંક ૪૧૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો જે આ વર્ષે ૫૨૪.૯૭ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રખાયો છે.