અંતે બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજનું જોડાણ રદ્દ !
નેશનલ કમિશન ઑફ હોમિયોપેથીકના ઈન્સ્પેક્શનમાં અનેક ગેરરીતિઓ પકડાતાં ઉઠાવાયું આકરું પગલું
જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને કરવા દેવાશે, નવું એડમિશન નહીં લઈ શકાય-આનંદ ચતુર્વેદી
રાજકોટના જામનગર રોડ પર આવેલી બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજનું જોડાણ રદ્દ કરવાનો નિર્ણય નેશનલ કમિશન ઑફ હોમિયોપેથીક દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં જ એનસીએચ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આવેલી ટીમ દ્વારા કોલેજ પાસે રહેલા ડૉક્ટરનું લિસ્ટ, કેટલા દર્દીઓ હોસ્પિટલમાં આવે છે તેની યાદી, કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની યાદી, કેટલી ફી વસૂલાય છે, ડૉક્ટરને કેટલી ફી ચૂકવાય છે સહિતના દસ્તાવેજો કબજે કરી તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ગેરરીતિ પકડાતાં જોડાણ જ રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ અંગે નેશનલ કમિશન ઑફ હોમિયોપેથીક કમિટીના મેમ્બર આનંદ ચતુર્વેદીએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોલેજનું જોડાણ રદ્દ કરાયું છે. અત્યારે અહીં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનું વર્ષ ન બગડે તે માટે તેમનો અભ્યાસ કોલેજમાં જ કરવા દેવામાં આવશે. અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ અહીં એક પણ નવું એડમિશન કોલેજ લઈ શકશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું કે જો કોલેજ નિર્ણયના વિરોધમાં કમિશનમાં અપીલ કરી શકે છે પરંતુ ત્યાં સુધી જોડાણ રદ્દ જ ગણાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બી.એ.ડાંગર કોલેજનું જોડાણ અગાઉ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. એનસીએચ દ્વારા ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ એમ ત્રણ વર્ષ માટે આ રીતે જોડાણ રદ્દ કરાયું હતું. આ પછી કોલેજ દ્વારા અપીલ કરીને ફરી જોડાણ લેવાયું હતું ત્યારે આ કિસ્સામાં પણ એવી કાર્યવાહી કરાય તેવી શક્યતા નકારી શકાતી નથી.