ફેરિયાઓને ભાડા વધારાનો ડામ’ નહીં: સફાઈ ચાર્જનો રૂા.૫૦૦ચાંદલો’ કરાશે !
હૉકર્સ ઝોનમાં રજિસ્ટે્રશન ફીમાં ૧૫૦૦ અને ત્રણ ગણો ભાડાવધારો નામંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી
બે વર્ષથી બંધ પડેલું હેમુ ગઢવી હોલ પાસે નાલાનું કામ આગળ વધશે: ૧૦ વર્ષ સુધી ઘરે-ઘરેથી કચરો ઉપાડવાની દરખાસ્તને મંજૂરી
મહાપાલિકા દ્વારા શહેરમાં જ્યાં-ત્યાં ઉભા રહીને ધંધો કરતા ફેરિયાઓને એક જ જગ્યાએ ઉભા રાખીને રોજગાર મેળવી શકે તે માટે શહેરમાં ૮૦થી વધુ હૉકર્સ ઝોન બનાવવામાં આવ્યા હતા. આ ઝોનમાં ફેરિયાઓ ભાડું ચૂકવીને વેપાર કરી શકતા હતા. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા હૉકર્સ ઝોનમાં રજિસ્ટે્રશન ફી તેમજ ભાડામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને મંગળવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નામંજૂર કરાઈ હતી. જો કે પાછલા બારણેથી સફાઈ ચાર્જ પેટે રૂા.૫૦૦નો ચાંદલો મંજૂર રાખવામાં આવ્યો હતો.
અત્યાર સુધી હૉકર્સ ઝોનમાં ઉભા રહેવા માટે કોઈ ધંધાર્થી દ્વારા રજિસ્ટે્રશન કરાવવામાં આવે તો તેની પાસેથી ૧૦૦૦ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો જેને ૨૫૦૦ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત તે ધંધાર્થી પાસેથી દર મહિને ૫૦૦ રૂપિયા ભાડું વસૂલાતું હતું તેમાં ત્રણ ગણો વધારો કરીને ૧૫૦૦ કરવા સુચવાયું હતું જેને પણ કમિટીએ માન્ય રાખ્યું ન્હોતું. જો કે દરેક હૉકર્સ ઝોનની સફાઈ વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે હૉકર્સ ઝોનના દરેક ધંધાર્થી પાસેથી દર મહિને ૫૦૦ રૂપિયાના ચાર્જની વસૂલાતને મંજૂરી આપવામાં આવી હતી. એકંદરે હવે દરેક ધંધાર્થીએ ૫૦૦ રૂપિયા ભાડું અને ૫૦૦ રૂપિયા સફાઈ ચાર્જ ચૂકવવાનો રહેશે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં સામેલ હેમુ ગઢવી તેમજ એસ્ટ્રોન રેલવે નાલાની વચ્ચે આવેલા ડૉ.હોમી દસ્તુર માર્ગના છેડે નવા નાલા બનાવવા રેલવેને વધુ રૂા.૧.૧૭ કરોડ ચૂકવવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવતાં હવે આ કામ આગળ વધશે જે બે વર્ષથી અટકી પડ્યું હતું. મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં રેલવેને કુલ ૪ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવાનું ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. જ્યારે ૧૦ વર્ષ સુધી ઘેર-ઘેર જઈને કચરો એકઠો કરવાની દરખાસ્તને પણ બહાલી અપાઈ હતી.
નેહલ શુક્લ ફરી `આડા’ ફાટ્યા: પ્રમુખ-ચેરમેન સાથે તડાપીટ
જનરલ બોર્ડ હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પૂર્વે મળતી સંકલનની બેઠક હોય દરેક વખતે પ્રશ્ન પૂછીને હોદ્દેદારોને માથું ખંજવાળતાં કરી દેવા માટે જાણીતા વોર્ડ નં.૭ના કોર્પોરેટર ડૉ.નેહલ શુક્લ દ્વારા ઘેર-ઘેરથી કચરો એકઠો કરવા માટે જે ૧૦૦૦ કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે દરખાસ્તને લઈને સવાલોનો મારો ચલાવાયો હતો. તેમની સવાલ પૂછવાની રીત જોઈને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પણ હક્કાબક્કા રહી ગયા હતા. એકંદરે ડૉ.નેહલ શુક્લ દ્વારા દરેક ટીપરવાનદીઠ રૂા.૫૪૦૦નું ભાડું ચૂકવવા સહિતના મુદ્દે વિરોધ કર્યો હતો. જો કે આ તમામ વસ્તુ રોજિંદી હોવાનું પણ હોદ્દેદારો દ્વારા જણાવાયું હતું.